An ode to 'Friendship'
દોસ્તી ... હેત ના હસ્તાક્ષર!
વાંધો પડે તો વ્હાલા વેર ના બાંધીએ, વેરભાવ મનનો મલાલ.
વ્હાલપ માટે તો પડે ઓછી આ જિંદગી, વઢવા નો ક્યા છે સવાલ?
ઓછું આવે તો વ્હાલા આંસુ ના લાવીએ, રડવા ની એમાં શું વાત?
હસીએ ને સાથે આ જગને હસાવીએ, દુઃખ ને એમ કરીએ મ્હાત....!
રૂઠેલાં હોય એને રેઢાં ના મૂકીએ, રુઠયા ની સાંભળીએ રાવ.
હેત થી પસારી એ દોસ્ત તણાં વાંસા ને, મન ના રુઝાવીએ ઘાવ....!
ઈર્ષ્યા અભાગણી દૂર કરે લાગણી, મનમાંથી ત્યજીએ તત્કાળ.
દોસ્તો તો મૂડી છે મોંઘી આ દુનિયા ની, દોસ્તી નો આજે દુકાળ....!
હાર નવ માનીએ, ને માનવા ના દઈએ, હાર્યા નો ઝાલીએ હાથ
હિંમત બંધાવી એ હારેલા દોસ્ત ની, છોડીએ કદી ના સંગાથ....!
મિત્રોની મહેફિલ ને મન ભરી માણીએ, મિત્રો છે મહેફિલ ની શાન.
માતા-પિતા બાદ સંબંધ જો શ્રેષ્ઠ કોઈ, દુનિયા માં દોસ્તી નો માન...!
દોસ્તી છે હસ્તાક્ષર હૈયા માં હેત ના, દોસ્તી તો પ્રેમ નો કરાર
સુખ માં છો દૂર હોય, દુઃખ માં જરૂર હોય, એમાં ના શંકા ધરાર....!
© દેવાંશુ પટેલ
શિકાગો