#KAVYOTSAV
કાવ્યોત્સવના છેલ્લા પડાવમાં જિંદગીના છેલ્લા પડાવનું એક ગીત...
એક ડોસાના હાથમાં ડોસીનો હાથ
પછી તાજી એ યાદો ને વાતોનો વરસાદ
ના ચિંતા છે ગામની, ના દુઃખનો સંતાપ
આપણે તો એકમેકનો જીવન સંગાથ
એક ડોસના હાથમાં ડોસી નો હાથ
પછી તાજી એ યાદો ને વાતોનો વરસાદ.....
ડોસીના ચશ્માનો કાચ તૂટી ગયો છે
ડોસાના ચશ્માનો સરખો છે નંબર,
વાંચે છે છાપું ડોસો ચશ્મા નીચા રાખીને
ડોસી તાકી રહેતી ઝીણી નજરે અંદર,
ચશ્મા છે એક અને જોનારા બે
તોય ના થાતો કોઈ દી કકળાટ
એક ડોસાના હાથમાં ડોસીનો હાથ....
હુક્કાનો કસ લઈ ડોસો ધુમાડા કાઢે
ડોસી અમથી અમથી જોઈ ખીજાય,
મૂકીને હુક્કો ઢોલિયાની હેઠે
પૂછે છે ડોસો : ડોસી તું શાને રિસાય ?
ઊભી થઈને ડોસી અંગારા લાવતી
ડોસાને આવતો ઝીણો મલકાટ
એક ડોસાના હાથમાં ડોસીનો હાથ......
બેસી ઓસળીના હિંચકે હવે રોજ
વાતો વાતોમાં જૂની યાદો વાગોળતા,
ઉંમર છે એવી, હવે ક્યાં કઈ બોલાય છે ?
ક્યારેક દીકરાને વહુના મહેણાં સાંભળતા
સમજી લેવાનું હવે , મનને મનાવીને
ઘરડી થઈ રહી છે હવે આપણી આ જાત
એક ડોસાના હાથમાં ડોસીનો હાથ...
ના ચિંતા છે ગામની, ના દુઃખનો સંતાપ
આપણે તો એકમેકનો જીવન સંગાથ
એક ડોસના હાથમાં ડોસી નો હાથ.......
નીરવ પટેલ 'શ્યામ'