ઉંમરના વર્ષો જેમ-જેમ વધતા ગયા
જીવનનાં દિવસો તેમ-તેમ ઘટતા ગયા
અજાણ્યાં લોકોની સંખ્યા વધતી ગઈ
જાણીતાં લોકો જાણે ઘટતા ગયા
વ્યવહારમાં ભીડ જેમ-જેમ વધતી ગઈ
સંબંધોની સમજણ જાણે ઘટતી ગઈ
કમાણીનાં માર્ગો જેમ-જેમ વધતા ગયા
સુખ-શાંતિનાં માર્ગો તેમ-તેમ સંકોચાતા ગયા
નજરની સમક્ષ તો સૌ કોઈ આવકારતા ગયા
અને પીઠ પાછળથી મીઠા ઘા પણ જાણે કરતા ગયા
બાળપણની નિખાલસ દોસ્તી જાણે ભૂસાતી રહી
અને કહેવાતાં 'પ્રોફેસનલ મિત્રો' જાણે વધતા ગયા
દુનિયામાં અવનવા રંગો જાણે શોધતા ગયા
અને માણસાઈના રંગો જાણે બદલાતા ગયા
વાસનાનો આવેશ જેમ-જેમ વધતો ગયો
સંબંધોની ગરિમા તેમ-તેમ ખોવાતી ગઈ
રાવણનું દહન તો વર્ષમાં એક જ વખત થાય
પણ નવા નવા રાવણના માથા રોજ-રોજ ઉચકાતા ગયા
ઉંમરના વર્ષો જેમ-જેમ વધતા ગયા
જીવનનાં દિવસો તેમ-તેમ ઘટતા ગયા
-સાગર બી.ઓઝા