Quotes by Jigna Trivedi in Bitesapp read free

Jigna Trivedi

Jigna Trivedi

@jbt700gmailcom


ગઝલ

ઘટના ચમનમાં જે બની ચોંકાવનારી તો નથી ને ?
ફૂલો સમીપે ગંધની કોમળ કટારી તો નથી ને ?

ક્યારેક એની આંખમાં સ્ફોટક પદાર્થો હોય છે,
જલ્દી ચકાસો આ હવા લૂચ્ચી, ઠગારી તો નથી ને ?

બોજો સતત ખડકયા કરો છો એટલે જોવું પડે કે-
માની રહ્યા છો જિંદગી એ હાથલારી તો નથી ને ?

ચેકીંગ કરવું એ પડે કે આવનારી આ પનોતી,
અઢળક મુસીબત ને સમસ્યા લાવનારી તો નથી ને ?

જોવું જ પડશે જાતમાં થોડું કરીને ડોકિયું કે-
અફસોસની સાથે નિરાશાઓ પધારી તો નથી ને ?

જિજ્ઞા ત્રિવેદી

Read More

ગઝલ

કોણે કહ્યું પહેલાં સમી લિજ્જત નથી રહી ?
ને જિંદગીની સ્હેજ પણ કિંમત નથી રહી ?

લમણે દઈને હાથ જે બેસી રહે એને,
લાગ્યા કરે કહ્યાગરી કિસ્મત નથી રહી.

છે કંટકો ચારે તરફ તેથી જ ફૂલને-
રંજાડવાની કોઈમાં હિંમત નથી રહી.

દીવાલ તોડીને પ્રવેશી નફરતો પછી-
પ્રત્યેક પાસે પ્રેમની મિલકત નથી રહી.

છેડયા કરે શહેરી હવા પ્રત્યેક ગામને,
સૌ ખોરડાની એટલે ઈજ્જત નથી રહી.

આંખો સમીપે પાથરી દીધી નજર છતાં,
કહેતા ફરે છે અવસરો, ખિદમત નથી રહી.

એ કેન્દ્રમાંથી વિસ્તરી છે જ્યારથી અરે,
સંવેદનાઓ ત્યારથી અંગત નથી રહી.

જિજ્ઞા ત્રિવેદી, ભાવનગર

Read More

ગીત

હું તો મનમાં ને મનમાં રે મ્હાલું !
ખુશીઓથી ખળખળતા ઝરણાંના ઝાંઝર હું પહેરીને મદમાતી હાલું,
હું તો મનમાં ને મનમાં રે મ્હાલું !

ફરફરતા પીંછા સંગાથ જઈ આકાશે
જીવતરની દોરું રંગોળી,
રંગોને યાદ કરું એટલામાં આવી પહોંચે
પતંગિયાની ટોળી,
તરસ્યા જે હોય એવા વાદળની વચ્ચે પણ
નખરાળી ચાલે હું ચાલું,
હું તો મનમાં ને મનમાં રે મ્હાલું !

શ્વાસના કમખા પર બાંધું છું મોજ અને
મસ્તીના પચરંગી ફૂમતા,
અણિયાળી આંખડીના મોઘમ ઈશારે
લાગણીના અવસર છે ઝૂમતા,
હૈયે ભાતીગળ ભરાય રોજ મેળો તો
ખુદને હું કેમ કરી ઝાલું ?
હું તો મનમાં ને મનમાં રે મ્હાલું.

જિજ્ઞા ત્રિવેદી

Read More