ક્રિસ્પી ડેથ (ભાગ-2)
આર્યનના મોત પછી આખા અમદાવાદમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 'ધ ગોલ્ડન પોટેટો' કાફે સીલ કરી દેવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્ટર વિક્રમે ફોરેન્સિક રિપોર્ટ મંગાવ્યો, પણ જે પરિણામ આવ્યું તેણે તેને વધુ મૂંઝવણમાં મૂકી દીધો. આર્યનના શરીરમાં કોઈ ઝેર નહોતું મળ્યું, પણ તેના ગળામાં ફ્રેન્ચફ્રાઈઝનો એક ટુકડો ફસાયેલો હતો, જે કોઈ સામાન્ય બટાકું નહીં પણ 'માનવ હાડકા' જેવું સખત હતું!
વિક્રમ કાફેના માલિક, સમીરની પૂછપરછ કરવા પહોંચ્યો. સમીર ધ્રૂજી રહ્યો હતો.
"સાહેબ, હું તો બટાકા પેલા જૂના ફાર્મહાઉસથી મંગાવું છું જે વર્ષોથી બંધ હતું. ત્યાં સસ્તામાં માલ મળતો હતો."
વિક્રમ તરત જ એ ફાર્મહાઉસ પહોંચ્યો. શહેરથી દૂર એક અવાવરું જગ્યાએ આવેલું એ ખેતર જોઈને જ કમકમાટી છૂટી જાય તેવું હતું. ત્યાં તપાસ કરતા વિક્રમને જમીન નીચેથી એક નાની ડાયરી મળી. ડાયરીના છેલ્લા પાના પર લખ્યું હતું:
"જે બીજાની જમીન હડપે છે, તેની ભૂખ આ જ જમીન શાંત કરશે. પહેલો નંબર આર્યન, બીજો..."
બીજા નામ પર લોહીનો ડાઘ હતો, પણ અક્ષરો વંચાતા હતા: 'સ...'
વિક્રમને તરત યાદ આવ્યું કે આર્યન બ્લોગર બનતા પહેલા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતો હતો. શું આ કોઈ જૂના વેરનો બદલો હતો? તે હજી કંઈ વિચારે એ પહેલા જ તેના ફોન પર મેસેજ આવ્યો— કાફેના માલિક સમીરનું અપહરણ થયું હતું!
લેખિકા માનસી દેસાઈ શાસ્ત્રી