ધમ્મપદ : ૧
મનોપુબ્બંગમા ધમ્મા, મનોસેટ્ઠા મનોમયા |
મનસા ચે પદુટ્ઠેન, ભાસતિ વા કરોતિ વા |
તતો નં દુકખમન્વેતિ, ચક્કં વ વહતો પદં ||૧||
અર્થ:
મન બધી પ્રવૃત્તિઓમાં આગળપડતું છે. બધા ધર્મો (સારા કે ખરાબ) મનમાંથી જ ઉત્પન્ન થાય છે. જો કોઈ દૂષિત મનથી કોઈ કાર્ય કરે તો તેનું પરિણામ દુઃખદાયક હોય છે. જે રીતે બળદગાડાનું પૈડું બળદની ખરીનાં ચિન્હોનો પીછો કરતું હોય છે તે જ રીતે દુખ તેનું અનુસરણ કરે છે.
મનથી મોટું કાંઈ નથી : ચક્ષુપાલની કથા
સ્થળ: જેતવન, શ્રાવસ્તી
આ ગાથા બુદ્ધે શ્રાવસ્તીના જેતવન વિહારમાં ચક્ષુપાલ નામના એક નેત્રહીન ભિક્ષુના સંદર્ભમાં કહી હતી.
એક દિવસ ભિક્ષુ ચક્ષુપાલ જેતવન વિહારમાં બુદ્ધને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા માટે આવ્યો. રાત્રે તે ધ્યાન સાધનામાં ફરતો રહ્યો. તેના પગ નીચે ઘણી કીડીઓ અને મંકોડાઓ દબાઈને મરી ગયાં. સવારે કેટલાક અન્ય ભિક્ષુઓ ત્યાં આવ્યા અને તેમણે તે કીડી-મંકોડોને મરેલાં જોયાં. તેઓએ બુદ્ધને જાણ કરી કે ચક્ષુપાલે રાતના સમયે કેવી રીતે પાપકર્મ કર્યું હતું. બુદ્ધે તે ભિક્ષુઓને પૂછ્યું કે શું તેઓએ ચક્ષુપાલને તે જંતુઓને મારતાં જોયો હતો. જયારે તેઓએ તેનો નકારાત્મક જવાબ આપ્યો ત્યારે બુદ્ધે તેમને કહ્યું કે જે રીતે તમે ચક્ષુપાલને એ જીવ-જંતુઓને મારતાં નહોતો જોયો એ જ રીતે ચક્ષુપાલે પણ એ જીવતાં જીવડાંઓને નહોતા જોયા. “તદુપરાંત ચક્ષુપાલે અર્હત્વ પ્રાપ્ત કરી લીધું છે. એટલે તેના મનમાં હિંસાનો ભાવ હોઈ જ ન શકે. આ રીતે તે નિર્દોષ છે.” ભિક્ષુઓ દ્વારા પૂછવામાં આવતા કે અર્હત હોવા છતાં ચક્ષુપાલ અંધ કેમ હતો, ત્યારે બુદ્ધે આ કથા કહી:
પોતાના એક પૂર્વજન્મમાં ચક્ષુપાલ આંખોનો ચિકિત્સક હતો. એક વાર તેણે જાણી જોઇને એક સ્ત્રી રોગીને અંધ કરી દીધી હતી. તે સ્ત્રીએ એવું વચન આપ્યું હતું કે જો તેની આંખો ઠીક થઇ જાશે તો તે પોતાના બાળકો સાથે તેની દાસી બની જશે અને જીવનભર તેની ગુલામી કરશે. તેની આંખોનો ઈલાજ ચાલતો રહ્યો અને આંખો સંપૂર્ણપણે સારી થઇ પણ ગઈ. પરંતુ એ ડરને લીધે કે પોતાને આજીવન ગુલામી કરવી પડશે, તેણે ચિકિત્સકને એવું ખોટું કહ્યું કે તેની આંખો સારી નથી થઇ રહી. ચિકિત્સકને ખબર હતી કે તે ખોટું બોલી રહી હતી. એટલે તેણેએક એવી દવા આપી કે જેથી તે સ્ત્રીની આંખોની જોવાની શક્તિ જતી રહી અને તે સાવ અંધ બની ગઈ. પોતાના આ કુકર્મને લીધે ચક્ષુપાલ તેના કેટલાય જન્મોમાં એક અંધ વ્યક્તિ તરીકે જન્મ્યો હતો.
નોંધ: આપણા બધા અનુભવોનું સર્જન વિચારમાંથી થાય છે. જો આપણે ખરાબ ભાવના સાથે બોલીએ કે કોઈ કાર્ય કરીએ તો તેનું દુખદાયક પરિણામ ભોગવવું પડે છે. આપણે ગમે ત્યાં જઈએ, ખરાબ વિચારોને કારણે પરિણામ ખરાબ જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણાં મનમાં ખરાબ વિચારો હોય ત્યાં સુધી આપણે આપણાં દુઃખોમાંથી મુક્તિ મેળવી શકતા નથી.
- Umakant