"ચિતા"
કંઇક તો કહેતી હતી આ ચિતા,
ચિત્તને મારા ચેતવી રહી હતી આ ચિતા.
નજર સામે જે બળી રહ્યું હતું એ તો જગ જાહેર હતું,
ઇશારો તો એના તરફ હતો, જેને બાળી નહોતી શકી આ ચિતા.
માની લીધેલી મારી સુખ અને દુઃખની વ્યાખ્યા પર,
કંઇક રહસ્યમય રીતે હશી રહી હતી આ ચિતા.
કંઇક તો કહેતી હતી આ ચિતા.
ચિતને મારા ચેતવી રહી હતી આ ચિતા.
ઘણી બધી ફરીયાદો અને સવાલો સાથે જોઇ રહ્યો હતો હું આ ચિતા,
તે બોલીતો કશું નહી પણ અંતે જવાબરુપે રાખ છોડતી ગઇ આ ચિતા.
કંઇક તો કહેતી હતી આ ચિતા,
ચિતને મારા ચેતવી રહી હતી આ ચિતા.
રાખ ??? આ ક્યારે થઇ ?
થોડી ક્ષણ પહેલા તો નામ હતું,
એક હતું લાકડું ને બીજી હતી લાશ.
તો શું નામોની હતી આ રાખ ?
"કે પછી નામની જ હોય છે રાખ ? "
શું કહેતી હતી આ ચિતા?
ચિતને મારા શું ચેતવી રહી હતી આ ચિતા.
જીવન આખું બસ નામોના (સંબંધોના) ઢગલાં કરવાનાં પ્રયત્નો પર
સવાલ છોડતી ગઇ આ ચીતા.
હું, મારુ અને મારાંના વ્યર્થ ઘોંઘાટ વચ્ચે,
ચૂપ રહેવાનું કહેતી હશે આ ચિતા ?
કંઇક તો કહેતી હતી આ ચિતા,
ચિત્તને મારા ચેતવી રહી હતી આ ચિતા.
- ચિરાગ કાકડિયા
નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ।
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ।