સંકટ પડ્યાં છે ખાસાં,
જાતે ખુવાર થઈ છે,
ને આબરૂ હતી જે,
તે તારતાર થઈ છે.
ગઈ કેટલીય રાતો,
આજે સવાર થઈ છે,
કંઈ પાનખરને ઝેલી
ત્યારે બહાર થઈ છે.
આ સુખ ને દુઃખના ખેલો
ચાલ્યા કરે છે સાથે,
આવી હવે છે ખુશી,
આફત ફરાર થઈ છે!
ક્યારે ક્યાં પહોંચવું તે
નક્કી કરે છે કિસ્મત,
આવી જવું તું વહેલું,
પણ સ્હેજ વાર થઈ છે.
કો’ આંગળી ચીંધે છે
ટોણાં ય કોઈ મારે,
ઘા એટલા પડ્યા કે,
આંસુની ધાર થઈ છે.
એવું નથી કે દા’ડા
કાઢ્યા ગણી ગણીને,
ખુલ્લી જ આંખે મારી
રાતો પસાર થઈ છે.
– રશ્મિ જાગીરદાર
- Umakant