...." ન ભીંજાણી પાંપણ સનમ "
ઓઢીને પોઢી ગયાં છીએ અમે તો ખાંપણ સનમ;
છતાં પણ કેમ ન ભીંજાણી તમારી પાંપણ સનમ;
એવો તો શું અપરાધ થઈ ગયો છે અમારાથી? કે,
આજ લગી તમે ન આપ્યું એનું કોઇ કારણ સનમ;
ઘાયલ થઈ ગયાં હતા અમે તમારી નજરોથી જ,
આજ પણ કરી જાય છે એ નજર કામણ સનમ;
મરતાં હતા તમારાં પર, પણ તમે જ છળી ગયાં છો,
એથી તો વધું શું બગાડશે હવે મોતનું મારણ સનમ;
દોષ જરા પણ નહીં આપું હું, ખુદા તારી ખુદાઈને,
એટલે જ તો કરી લીધું છે અમે મૌન ધારણ સનમ;
મઝધારે સાથ છોડવો હોઈ શકે છે તમારી મજબૂરી,
મન મનાવવા માટે કાઢ્યું છે અમે આ તારણ સનમ;
બધાય દોષોનો ટોપલો માથે ઓઢી લીધો "વ્યોમ"
એથી વધારે નહીં હોય આ કફનનું ભારણ સનમ?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.