બદલો ભલા –બુરાનો
–રમણ પાઠક (વાચસ્પતી)
કર્મના સીદ્ધાંતમાં માનનારાઓ ભારપુર્વક કહે છે કે સારાં કર્મોનો સારો, અને બુરાનો બુરો બદલો મળે છે. અર્થાત્ પૃથ્વી પર અમુક કર્મ કે કાર્યોના બદલામાં તેવું જ ફળ મળે છે, જેનો આધાર કાર્ય–કારણનો સામાન્ય નીયમ જ છે; પરન્તુ એ નીયમ સુક્ષ્મ બાબતોને જરાય લાગુ પડી શકે નહીં; જેનું કારણ એ જ કે, સારા અને ખરાબ કર્મની વ્યાખ્યા જ ત્યાં માણસે યા અમુક માણસોએ વર્તમાન પરીસ્થીતી યા પોતાની મનસ્વી ધુનને આધારે ઘડી છે. લગભગ તેવા જ સારા કે ખરાબ અંગેના તેના ખ્યાલો પણ છે. એને કાર્ય– કારણનો યા કર્મનો સીદ્ધાંત લાગુ પડી શકે નહીં. એક દાખલાથી આ વાત સ્પષ્ટ કરીએ :
જો કોઈ માણસ ખુબ ઉંચાઈએથી નીચે ઠેકડો મારે તો કાં તો તેને ગમ્ભીર ઈજા થાય યા તો તેનું મૃત્યુ થાય. કોઈ અપોષણક્ષમ કે હાનીકારક ખોરાક ખાય તો આરોગ્ય કથળે; જ્યારે પૌષ્ટીક ખાય તો તબીયત સુધરે. કોઈ વ્યક્તી ઉડાઉ, ગજા બહારનો ખર્ચ કરે, તો પાછળથી કદાચ ગરીબી વેઠવી પડે– સારી આવક ના હોય તો; આ બધા આમ તો સામાન્ય કાર્ય–કારણના નીયમો છે. બીજી બાજુ, એક વ્યક્તી બીજીનું ખુન કરે; તો તેને ફાંસી યા જન્મટીપ થાય. લુંટ યા ચોરી કરે ને પકડાય; તો સરકાર સજા કરે. આ માનવસર્જીત કાર્ય–કારણ ન્યાય છે; જે હમ્મેશાં સાચો ન પણ ઠરે. જેમ કે, ખુની ચોર કે લુંટારો ન પકડાય, તો એને કંઈ જ ના થાય. ક્યારેક સાચા ગુનેગારને બદલે નીર્દોષ માણસ પણ સજાનો ભોગ બને. આમ, આવા નીયમો કેવળ મનસ્વી માનવસર્જીત હોવાથી, એમાં કાર્ય– કારણનો સીદ્ધાંત અફર રીતે પ્રવર્તતો નથી. બાકી પ્રકૃતી તો બળના સીદ્ધાંતને આધારે જ કામ કરે છે; અર્થાત્ બળવાન નીર્બળને મારે; જેનો કોઈ જ બદલો નહીં. દા.ત., સીંહ કે વાઘ લગભગ રોજ એક હરણાનું ખુન કરે જ; એના બદલામાં તેને કોઈ ફાંસી યા જનમટીપ થાય નહીં; કારણ એ જ કે માનવસમાજની અને પ્રકૃતીની સારા ને ખરાબની વ્યાખ્યા જુદી જુદી છે. સીંહ કે વાઘનો તો ખોરાક જ હરણ જેવો એક સજીવ પદાર્થ છે, એથી તેણે હત્યા કરવી જ પડે; તો જ તે જીવી શકે; પરન્તુ એમાં બાપડા હરણનો શો વાંક? કોઈ જવાબ નથી! મતલબ કે, અહીં કર્મનો સીદ્ધાંત પ્રવર્તતો જ નથી. આવી પરીસ્થીતીથી મુંઝાયેલા આપણા પુર્વજ સમાજધુરન્ધરોએ પછી, આ બીનપાયાદાર સીદ્ધાંતને સત્ય ઠોકી બેસાડવા માટે અન્ય એક બીનપાયાદાર સીદ્ધાંતની કપોળકલ્પના ચલાવી અને તે વળી પુર્વજન્મ–પુનર્જન્મનો સીદ્ધાંત.
માનવસર્જીત સારા કે ખરાબ કર્મની વ્યાખ્યા તે મુળભુત રીતે તો સામાજીક મુલ્ય છે, જેમાંનાં અમુક મુલ્યો ચીરંજીવ કે કાયમી હોય છે; જ્યારે બીજાં વળી તત્કાલીન, એટલે કે કેવળ પ્રવર્તમાન પરીસ્થીતીને આધારે ઘડાયાં હોય. એવાં મુલ્યો અર્થાત્ સારાખરાબની વ્યાખ્યા સંગત પરીસ્થીતી બદલાતાં પછી કામ આપતાં નથી. દા.ત., સદીઓ પુર્વે આપણા સમાજમાં નીયોગની પદ્ધતી માન્ય હતી; મતલબ કે કોઈ પુરુષ લાંબા ગાળા માટે ઘર બહાર ગયો હોય તો અન્ય નર એની પત્ની સાથે સમાગમ કરે એને સમાજ કેવળ બીનવાંધાજનક જ નહીં; સારું, ઉપકારક કર્મ ગણતો અને એથી થતાં સંતાનો પણ આવકાર્ય ગણાતાં. પાંડુ, ધૃતરાષ્ટ્ર જેવા લોકોત્તર પુરુષોના જન્મની કથા પણ આવી જ છે; પરન્તુ આજે જો કોઈ પુરુષ બહાર ગયો હોય અને એની પત્ની સાથે અન્ય પુરુષ દેહસમ્બન્ધ બાંધે, તો તે બન્ને વ્યભીચારી ગણાય; એ પાપ કહેવાય; એ રીતે સંતાન તો જન્માવી જ ના શકાય… હવે આવું સહજ કર્મ કરનાર સ્ત્રી યા પુરુષને કશીક શારીરીક યા ભૌતીક–આર્થીક હાની થાય; તો લોકો કહેશે કે, ‘જુઓ એને એના કર્મનું ફળ મળ્યું ને? અને ધારો કે એ લોકને કંઈ જ ના થાય અને મોજથી જીવી જાય તો લાચાર લોક કહેશે, ‘ભલેને આજે મજા કરતાં; ભગવાન આવતે જન્મે એમને સજા કરશે જ’.
ચીરંજીવ કે સનાતન મુલ્યોમાં, સત્ય બોલવું, પ્રામાણીક આચરણ કરવું, અન્યને ઈજા કે નુકસાન ન પહોંચાડવું વગેરે પ્રકારનાં નાગરીક સદ્વર્તનને ગણાવી શકાય. સમાજના સરળ તથા સુખદ સંચાલન માટે આવી આચારસંહીતા અનીવાર્ય છે; બાકી એમાં પાપપુણ્યના કે કર્મના બદલાના કોઈ સીદ્ધાંત કામ કરતા જ નથી; જુઠાઓ અને લુચ્ચાઓ જલસા કરે છે; જ્યારે પ્રામાણીકો મુંઝાય છે અને લાચાર ગરીબો તો રીતસર રીબાય છે; જેનું કારણ એ જ કે, કુદરત તો બળના સીદ્ધાંત પ્રમાણે જ કામ કરે છે કે, બળીયાના બે ભાગ! ભારતમાં તો આજે બરાબર આવી જ પરીસ્થીતી પ્રવર્તી રહી છે : સાચાઓ દુ:ખી થાય છે; જ્યારે જુઠા મોજ ઉડાવે! લોકો એને ભલે ઈશ્વરની માયા કહે, બાકી અન્યાય જ છે; કારણ કે કુદરતમાં માનવકૃત ન્યાયનો સીદ્ધાંત કામ કરતો જ નથી.
આદ્ય સમાજધુરન્ધરોને પણ આ જ પ્રશ્ન નડ્યો હશે : તેઓએ કર્મનો સીદ્ધાંત તો પ્રવર્તાવ્યો; પણ વીવેકબુદ્ધીવાળા કોઈ કોઈ સામાન્યજનો ફરીયાદ કરતા હશે કે, ‘ફલાણો તમારી વ્યાખ્યા મુજબ તો પાપી છે; છતાં મોજમજાથી જીવે છે એનું શું?’ ધુરન્ધરો પાસે આવા પ્રશ્નનો સચોટ ઉત્તર જ નહોતો અને કલ્પીત કર્મસીદ્ધાંતને ખોટો કબુલવાથી તો ઘણી સમસ્યાઓ સર્જાય તેમ હતી. આથી તેઓએ અન્ય એક કપોળકલ્પીત ઉત્તર શોધી કાઢ્યો કે, ‘ભાઈ, આ જન્મે ભલે તે મોજ કરતો; કર્મનું ફળ તો આવતે જન્મેય ભોગવ્યા વીના એનો છુટકો જ નથી.’ આમ, પુનર્જન્મની અને એના પુરાવારુપે અનીવાર્ય એવી આત્માના સ્વતન્ત્ર અસ્તીત્વની કપોળકલ્પનાઓ ઉદ્ભવી. આમ એક સત્યમાંથી અનેક અસત્યો, અર્થાત્ અતાર્કીક, અવાસ્તવીક માન્યતાઓ જન્મતી રહી. બાકી, એક વ્યક્તીનું ખુન થયું, તે જાનથી ગયો. તેનાં પત્નીબાળકો દુ:ખીદુ:ખી થઈ ગયાં… હવે એના ખુનીને છેક આવતે જન્મે ભગવાન સજા કરવાનો હોય, એનો અર્થ જ શું? જસ્ટીસ ડીલેડ ઈઝ જસ્ટીસ ડીનાઈડ… દેર એ જ મોટું અન્ધેર કહેવાય.
આત્મા જેવી કોઈ સ્વતન્ત્ર ચીજ છે જ નહીં; એ વીજ્ઞાનસીદ્ધ સત્ય છે. અરે, આજથી બેઅઢી હજાર વર્ષ પુર્વે મહર્ષી ચાર્વાકે કહ્યું હતું કે, ‘જુદા જુદા ભૌતીક પદાર્થોના સંયોજનથી ચૈતન્ય આવે છે; બાકી આત્મા જેવું કોઈ અલગ તત્ત્વ નથી.’ માનવસર્જીત યન્ત્રો જોઈએ, તો આ વાત સહેલાઈથી સમજાય. અનેક પદાર્થો–દ્રવ્યો જોડતાં, યન્ત્ર ગતી કરવા લાગે છે; જેમાંનું એકાદ બગડે તોય તે બન્ધ–મૃત! છતાં સામાન્ય તર્કબુદ્ધીના અભાવે લોકો દલીલ કરે છે કે, મૃત્યુ પછી દેહ તો તેવો ને તેવો જ રહે છે; છતાં હસતું–રમતું એ રમકડું કેમ જડ થઈ જાય છે? અરે ભાઈ, ધમધમાટ ચાલતી મોટરસાઈકલનો એક પ્લગ ઉડી જાય; તોય ઉભી રહી જાય છે – જડ થઈ જાય છે; બાકી તો તે આખી જ એવી ને એવી જ હોય છે. નવો પ્લગ નાંખો એટલે વળી પુન: ચાલુ! તેમ આજે માનવ–અંગોનાં પણ પ્રત્યારોપણ થાય છે અને મૃત પ્રાણીને સજીવન કરવાના સફળ પ્રયોગો પણ થાય છે; કુદરત કરતાં મનુષ્ય વધુ બુદ્ધીશાળી છે અને કદાચ શક્તીશાળી પણ.
–રમણ પાઠક (વાચસ્પતી)
- Umakant