🙏🙏ગુજરાત રાજ્યની સ્થાપના જ ગુજરાતી ભાષાના માપદંડ પર કરવામાં આવી છે.માટે ગુજરાતી ભાષાથી જ આપણું એક અલગ અસ્તિત્વ સંકળાયેલું છે તેવું કહેવું અતિશયોક્તિ કહેવાશે નહીં.
આજે ગુજરાતી ભાષા બોલનારા છ કરોડ લોકોની આસપાસ છે. જો આપણે ગુજરાતી ભાષાને જીવંત રાખવી હશે તો તેનાં મહત્વ ને સમજાવું પડશે. ગુજરાતી ભાષા સાથે જ દરેક ગુજરાતી નું ગૌરવ જોડાયેલું છે તે લોકોનાં મનમાં ઉતારવું પડશે નહીં તો વિશ્વની અનેક ભાષાઓની જેમ ગુજરાતી પણ ભૂતકાળ બનીને ઈતિહાસના પાનાંમાં સમાઈ જશે.
આજે અંગ્રેજી ભાષા નાં વિશ્વવ્યાપી મહત્વને કારણે ગુજરાત નાં લોકો જ પોતાની માતૃભાષા ને પોતાના થી દૂર કરી રહ્યા છે. ખરેખર આ ખોટું છે, અંગ્રેજી શિક્ષણ લેવાની ના નથી પરંતુ પ્રાથમિક શિક્ષણ તો પોતાની માતૃભાષામાં જ ગ્રહણ કરવું જોઈએ. ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવું જોઈએ અને આપવામાં આવશે તો જ એક ગુજરાતી તરીકે નું આપણું ગૌરવ જળવાઈ રહેશે નહીં તો નામશેષ થતાં સમય લાગશે નહીં.
આપણી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ જુઓ તો અઢળક શબ્દો છે જેની સામે અંગ્રેજી, ફ્રેન્ચ કે સ્પેનિશ પાછી પડે. શબ્દે શબ્દે જેના અનેક અર્થો નીકળે એટલું વિશાળ શબ્દભંડોળ ગુજરાતી ભાષા પાસે છે તો પણ આપણે અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવીએ છીએ જ્યારે પોતાની જ માતૃભાષા ને નીચો દરજ્જો આપવા લાગ્યા છે તો તેમાં ભુલ અન્ય ભાષાઓની નથી આપણી છે કે આપણે આપણી જ માતૃભાષા ને માન આપતા નથી.
ગુજરાતી ભાષા નાં અસ્તિત્વ ને ટકાવી રાખવા માટે આપણે ગુજરાતીઓને જ તકેદારી લેવી પડશે, નહીં તો સરકાર કે અન્ય લોકો એકાદ દિવસ તેનાં નામે ઉજવણી કરીને ક્યાંય ભુલી જશે.
🙏🙏જ્યાં વસતો એક ગુજરાતી ત્યાં ગુજરાત નાં ધબકાર ગુંજે છે.
ગુર્જર ભૂમિ ગુજરાતની ભાષાના માધુર્ય થી વધુ ઓળખાય છે.🦚