આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં,
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં..
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ,
આખે આખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં..
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે,
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં..
સપનાંના છટક રસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો,
પણ પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં..
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ,
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં..
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે,
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં…
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે..
કહેવાય નહીં..
– રમેશ પારેખ
🙏
- Umakant