કુન્દનિકા કાપડિઆનું એક સુંદર પુસ્તક છેઃ જીવન એક ખેલ.
પુસ્તક નાનું છે પણ ખૂબ મજાનું છે. રાઈના દાણા જેવું.
જે રીતે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે મહિલા કુસ્તી- 50 કિગ્રાની સ્પર્ધામાં ગેરલાયક ઠર્યાં ત્યારે થયું કે જીવન ખરેખર એક ખેલ છે. એક રમત છે.કોઈ ખેલાડી ઓલિમ્પિકમાં છેક ગોલ્ડ મૅડલ સુધી પહોંચી જાય અને વધુ વજનને કારણે તે મૅડલ ચૂકી જાય તે ખરેખર સાચા અર્થમાં કસનસીબ કહેવાય.
વિનેશ ફોગાટે 100-125 ગ્રામ વજન ઘટાડવા આખી રાત પ્રયાસો કર્યા. આખી રાતનું જાગરણ કરીને જોગિંગ, સ્કીપિંગ અને સાયકલિંગ કર્યું.
રાતોરાત 1-2 કિલો વજન વધારવું હોય તો ઘણા રસ્તા છે પણ 100 ગ્રામ વજન ઘટાડવું હોય તો વિશ્વ સ્તરના ખેલાડી પણ નિઃસહાય બને છે.
કોઈ ખેલાડી ડ્રગ્સને કારણે ગેરલાયક ઠરે આ વાત જુદી છે અને વિનેશ ફોગાટ વજનને કારણે સ્પર્ધામાંથી બહાર થયાં એ દુર્ઘટના જુદી છે.દરેક સ્પર્ધકે સ્પર્ધા દરમિયાન પોતાનું વજન જાળવી રાખવાનું હોય છે. ઘટે તે ચાલે પણ વધે તે ના ચાલે.
વિનેશ ફોગાટને તો એટલો આઘાત લાગ્યો કે તેઓ બેભાન થઈ ગયાં.
વાત જ એવી છે.
રમત અને જીવન બન્ને એકસરખાં.
બન્નેમાં અનિશ્ચિતતાનો પાર નથી.
ક્યારે શું બનશે તે તમે કલ્પી ના શકો કે કહી પણ ના શકો.
મને ઘણી વાર લાગે છે કે જીવન કેવી રીતે જીવવું એ શીખવું હોય તો ઓલ્મિપિકની રમતો જોવી.
.ખેલાડીઓની નિષ્ઠા, ધગસ, ખંત, મહેનત, એકાગ્રતા, પૂર્ણ કક્ષાની પ્રતિબદ્ધતા, તનાવને સહન કરવાનું સુપર બ્રેઈન, હૃદય ધબકારા ચૂકી જાય તેવી સ્થિતિમાં સ્વસ્થ રહેવાની શક્તિ, વર્ષો સુધી સાતત્ય સાથે કરાતી મહેનત... આ બધુ જો જીવનમાં પણ કરીએ તો જિંદગી ચોક્કસ ગોલ્ડ મૅડલ આપે જ.વિનેશ ફોગાટને તેમણે મૅડલ જીત્યો હોત એ પછી આપણે જેટલાં અભિનંદન આપ્યાં હોત તેનાથી પણ વધુ અભિનંદન આપીએ.
આ વસમી સ્થિતિમાં આપણે તેમની સાથે ઊભાં રહીએ.
ભારતની પરાક્રમી અને વિક્રમી આ દીકરી ખરેખર ચેમ્પિયન છે.
આપણે કહીએ કે તેમણે સવાયો ગોલ્ડ મૅડલ મેળવ્યો છે.