મન-વચન-કાયાનું લફરું
આ મોઢા પર એક બાજરીના દાણા જેટલી ફોલ્લી થઈ હોય તો મૂઓ, અરીસામાં મોઢું જો જો કરે. કારણ તે માને છે કે હું જ 'ચંદુલાલ' છું. તે દેહને પણ 'હું' જ છું તેમ માને છે. તેથી મૂઓ અરીસામાં જો જો કરે છે. પણ આ દેહ તમારો નથી. દેહ તો લફરું છે. કોઈ છોકરો, છોકરીને લઈને ફરતો હોય ત્યારે બાપ કહે, 'અલ્યા ! આ લફરું ક્યાં વળગાડ્યું ?' તે છોકરો કહે, 'શું કહો છો ? એ શું લફરું છે ? તમે શું સમજો એમાં !' પણ થોડાક દિવસ પછી પેલી છોકરી જોડે મેળ ના ખાય કે પછી પેલી છોકરી હાથતાળી દઈને બીજા જોડે ફરતી હોય ત્યાર પછી તેને સમજાય કે એ તો લફરું હતું. તેમ આ દેહ એ લફરું છે. દેહનો અનુભવ ગયો એટલે તે લફરુંય ગયું. લફરું દગા વગરનું હોય જ નહીં. આ મનની, વાણીની ને દેહની શી ફસામણ છે ? ફસામણ એટલે ? જેમાંથી છૂટવું હોય તોય ના છૂટાય તે ફસામણ. બીજા શબ્દમાં ફસામણ એ જ લફરું. જ્યારથી જાણ્યું કે આ લફરું છે ત્યારથી છૂટવાના ઉપાયો ખોળ્યા કરે. પણ જો લફરાને જ પ્રિય કર્યું તો ? તો એ વધારે ને વધારે વળગતું જાય ને ભારે ઊંડી ફસામણ ઊભી થઈ જાય. લફરું એ તો રાગ-દ્વેષને આધીન છે. અમે રાગ-દ્વેષ છોડાવીએ એટલે લફરું એની મેળે જ છૂટતું જાય. એને કંઈ માર મારીને કાઢવાનું છે ? ના, વીતરાગતાથી કાઢવાનું, અહિંસાથી કાઢવાનું છે. આ મન-વચન-કાયા એ લફરું છે. તેને સંપૂર્ણ જોયું ને જાણ્યું એટલે તે એની મેળે છૂટતું જ જાય.
🙏🏻