*13/08/2019*
*અમદાવાદનો અમારો ગાંધી રોડ*
*બુધવારની બપોરે-શતદલ પૂર્તિ*
✒લેખક: *અશોક દવે*
*મને એટલું યાદ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળ - વૃંદાવનમાં રહેતા ને હું ખાડિયામાં રહેતો. ખાડિયા અમારું મથુરા અને એ જ દ્વારકા. ખાડિયું ગાંધી રોડનું પહેલા ખોળાનું છોકરું કહેવાય. આજના લેખનો સમયગાળો ઈ.સ. 1970ની આસપાસનો છે, જ્યારે અમારી ધગધગતી જુવાની તો શરૂ થઈ હતી, જે હજી પૂરી થઈ નથી. એ સમયનો ગાંધી રોડ યાદ આવે છે એમાં સમજો ને, આખું અમદાવાદ આવી ગયું. આ બાજુ ભદ્રના કિલ્લે અને આ બાજુ રાયપુર દરવાજે શહેર પૂરું થતું હતું. મણિનગર આજે જેમ નડિયાદ-આણંદ છે એવું એક ગામ માત્ર હતું. છોકરું મમ્મી-ડેડીથી રિસાઈને ખૂણામાં લપાઈ જાય, એમ મણિનગર આસ્ટોડિયાને દત્તક લઈને દૂર બેસી ગયું હતું. (આ આસ્ટોડિયા એ જ મૂળ અમદાવાદ, જેનું મૂળ નામ ‘આશાપલ્લી’ હતું.) હજી સાયન્સ એટલું આગળ વધ્યું નહોતું, એટલે મણિનગર જવું હોય તો સાઇકલ પકડવી પડતી. ખાડિયાથી મણિનગરની ફ્લાઇટો તો આજે ય શરૂ થઈ નથી. વચ્ચે આવતા ટ્રાફિકોમાં એકાદ વાર ભરાયા હોત તો મોદી પહેલું એરપોર્ટ મણિનગરને આપત!*
*ગાંધી રોડનું મૂળ નામ તો ‘રિચી રોડ’ હતું અને ગાડીની બાજુની સીટમાં લિફ્ટ માંગીને બેઠેલા પાડોશી જેવો આજનો રિલીફ રોડ ‘રિચી રોડ’ અને ‘તિલક રોડ’ પણ કહેવાતો. નામ ‘રિલીફ’ પાડવાનું કારણ, બાજુમાં સૂતાં સૂતાં ‘હળીઓ’ કરતા ગાંધી રોડના ટ્રાફિક જામમાંથી લોકોને ‘રિલીફ’ એટલે કે રાહત મળે. આજે તો બેમાંથી એકે રોડ ઉપર સ્મશાન બનાવવાનીય જગ્યા રહી નથી. સપ્તર્ષિના આરે કે કબ્રસ્તાને સ્વર્ગસ્થને લઈ જવા આ ખૂંખાર ટ્રાફિકમાં રિક્ષા કે ડાઘુઓ ય મળે એમ નથી.*
*ઈ.સ. 1962માં આજનો આ નેહરુ બ્રીજ બંધાયો ત્યારે મને યાદ છે, પંડિત જવાહરલાલ નેહરુ ખુલ્લી ગાડીમાં આ બ્રીજ ઉપરથી પસાર થયા હતા, (મેં ટોળામાં ઊભાં ઊભાં એમને હાથ ઊંચો કર્યો હતો, પણ તમે તો જાણો છો, નેહરુ-ફેમિલી આપણા હાથની સામે પોતાનો પગ ઊંચો કરે, એવું એ જમાનાથી ચાલ્યું આવે છે.) કોમિકની વાત એ છે કે, નેહરુ બ્રીજ તો સીધો રિલીફ રોડ ઉપર કાઢવાનો હતો, પણ વચમાં સર ચીનુભાઈ બેરોનેટના બંગલા અને હોમગાર્ડનું મેદાન નડતા હતા, એટલે લેવાદેવા વગરની મેથી મારીને નેહરુ બ્રીજ ઊતરીને, ધી ગ્રેટ સિદી સૈયદની જાળીથી વાળીને રસ્તો કાઢવો પડ્યો.*
*અમારી ખત્રી પોળ મોડેલ ટોકીઝથી સહેજ આગળ... ખાડિયા ચાર રસ્તા તરફ. ગાંધી રોડે પૂરા થાય છે અને સારંગપુર તરફ જતા ખાડિયા ગેટને ‘ખાડિયા ચાર રસ્તા’ કહેવાય, પણ બેમાંથી અસલી કયા, એની કોઈને જાણકારી નથી. બંને ખાડિયા ચાર રસ્તા! નોર્મલી, અમે એવી રીતે ઓળખતા કે ખાડિયા ચાર રસ્તાના એક કોર્નર પર મૈસૂર કાફે અને બીજા કોર્નર ઉપર ઘોડાગાડીઓનું સ્ટેન્ડ હતું. જે ચાર રસ્તે પોલીસ ચોકી હતી તે ‘ખાડિયા ગેટ’ કહેવાતો. હાલના ખાડિયા ગેટ ઉપર પોલીસ ચોકી હતી, જ્યાં ક્યારેય કોઈ ગુનેગારને પકડીને બેસાડ્યો હોય, એવું જોયું નથી. હા, અમારું ખાડિયા દાદાઓને કારણે મશહૂર હતું. ટેંગલાદાદા, સુંદરદાદા, કમલદાદા, ભરતદાદા, પણ આમાંના એકે ય દાદાને કદી દાદાગીરી કરતા કોઈએ જોયા નથી. બધા બીએ ખરા, એ એ લોકોનો વાંક, આ લોકોનો નહીં! હું આ બધાને મળ્યો છું. બહુ મસ્ત માણસો હતા.*
*રાયપુર ચકલા પણ ખાડિયામાં જ ગણાતા. અમે અમેરિકા જેવા કડક નહીં કે, ખાડિયાનો વિસા મળ્યો હોય પછી રાયપુરનો અલગ વિસા કઢાવવો પડે! સારંગપુર ચકલા ખાડિયાની માસીનું દીકરું કહેવાય. એનું ધાર્મિક અને શાકભાજી માટે નાનકડું નામ. અહીં એક ચિત્રા સ્ટુડિયો હતો, જ્યાં લાકડાનાં રમકડાંના હાથી ઉપર બેસીને પડાવેલો મારો ફોટો છે. કોમેડી એ વાતની હતી કે, હાથી ઉપરથી હું ગબડી ન પડું, એટલા માટે મારા બનેવી સ્વ. કુમાર દવેનો મને કમરેથી પકડી રાખેલો હાથ પણ ફોટામાં આવી ગયો છે.*
*આ બાજુ ગાંધી રોડ એના ઉપરની પોળોને કારણે મશહૂર થયેલો. ચાર રસ્તે વેરાઈ પાડો (આ કોઈ જનાવરનું નામ નથી, પોળનું નામ છે, વેરાઈ પાડાની પોળ, પણ વધારાના શબ્દો વેડફાઈ ન જાય એટલા માટે એ વેરાઈ પાડો કહેવાતો.) સામેની લાઇનમાં ખાલી પાડા પોળ. (આમાં કોઈ પાડો ખાલી થઈ ગયો નહોતો, પણ એમ તો અમારા રાયપુરમાં લાંબા પાડાની પોળ પણ ખરી, જ્યાં એકે ય લાંબો કે ટૂંકો પાડો રહેતો નહોતો. એ પછી દરજીનો ખાંચો, નાગરવાડો, ખત્રી પોળ (જ્યાં હું રહેતો.) પછી કોઠારી પોળ આવે, જ્યાં કોઠારીઓ રહેતા હતા કે નહીં, એની તો ખબર નથી, પણ દરજીના ખાંચામાં એકે ય દરજી નહીં, ખત્રી પોળમાં એકે ય ખત્રી નહીં, નાગરવાડામાં કોઈ નાગર નહીં, પાડા પોળમાં એકેય..! મામુ નાયકની પોળ અને રાજા મેહતાની પોળ અમારા બધાની પોળો કરતાં શરીરે હરીભરી અને લાંબી. બંને ઠેઠ કાલુપુરમાં નીકળે. શહેર જ નાનકડું એટલે આ બધી પોળોમાં રહેનારા એકબીજાને એટલિસ્ટ જોયે તો આજે ય ઓળખી જાય. એમાં ય, પોળોમાં રવિવારે ક્રિકેટમેચ રમાય. સૌથી મજબૂત ટીમ અમારી મોટા સુથારવાડાની હતી. એની સામે ‘નાનો’ સુથારવાડો, બોલો! (આ નાનો અને મોટો કઈ ફૂટપટ્ટીથી માપ્યા હશે, તે સુથારો જાણે!) પોળના નાકે બંધ દુકાનોના ઓટલે બેસવું એક જાહોજલાલી હતી. ખેંચીને નીચે લાવવાના લોખંડનાં શટરો હજી આવ્યાં નહોતાં, એટલે દુકાનોના ઓટલા અમારા માટે બોધિ-વૃક્ષ નહીં, ‘બોધિ-ઓટલા’ હતા. અમને હજી યાદ છે, મારી ખત્રી પોળને નાકે આવેલી દુકાન ‘ફિલિપ્સ’ રેડિયોના સ્વ. મનુ કોન્ટ્રાક્ટરે, અમદાવાદમાં બોર્ડ પ્રેસિડેન્ટ્સ ઇલેવનની સામે પ્રવાસી ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન નોર્મન ઓ’નીલે એની કરિયરનો સર્વોચ્ચ સ્કોર 284 રનનો કર્યો હતો, (તા. 27 ડિસેમ્બર, 1959) એના અભિનંદનરૂપે, એ જમાનામાં ખૂબ મોંઘો ગણાતો ફિલિપ્સ રેડિયો ઓ’નીલને ભેટમાં આપ્યો હતો. એ દિવસથી અમારી આખી પોળે નક્કી કર્યું હતું કે, મિલ-બિલ કે બેન્ક-ફેન્કની નોકરીને બદલે સીધા ક્રિકેટર જ થવું. આવા રેડિયા તો મળે! ગાંધી રોડ પરની ઓલમોસ્ટ બધી દુકાનોનાં નામો આજે ય મોઢે, જેમાં સૌથી જૂની હતી ખાડિયા ચાર રસ્તે પેઇન્ટર ઠાકરની વિશાળ દુકાન. એ જ લાઇનમાં આવેલી મોદીની ખડકીને નાકે કે. સ્ક્વેર નામની ઊંચી શોપ હતી. એની સામે 70 પછીની ઉંમરે ય યુરોપિયન જેવા લાગતા તપખીરી આંખો અને યુરોપિયન ચામડીવાળા અમારા નાનુકાકાની ઘડિયાળ રિપેરિંગની ‘સ્ટાન્ડર્ડ વોચ કંપની’ હતી. એ યુરોપિયન લાગે તો બાજુની ‘પોપ્યુલર ટેલર્સ’ના માલિક છગનકાકા દેખાવમાં રશિયન-ફાર્મર જેવા લાગે. ખત્રી પોળને નાકે ચુસ્ત કોંગ્રેસી નટવરલાલ દવાવાળા બહુ લોકપ્રિય હતા, પણ લોકપ્રિયતા ખત્રી પોળને નાકે બે જણાએ સિદ્ધ કરી હતી, એક યુ.પી.ના ભૈયા વિદ્યારામ પાણીપૂરીવાળા અને બીજા ગુલાબદાસ ચાવાળા. કોઠારી પોળને નાકે એક ‘પરીખ સ્ટુડિયો’ હતો, એ એટલા માટે હજી યાદ આવે છે કે, એક રૂપિયામાં એક કોપી પડાવવાની હોવાથી મેં પાંચ-છ વાર ફોટા પડાવ્યા હતા, પણ ચેહરો સાલો એનો એ જ આવતો, એમાં લગ્ન લેવામાં વાર તો થાય જ ને! એમ તો ચાર રસ્તે શાહ સ્ટુડિયો, કોઠારી પોળને નાકે મામા સ્ટુડિયો પણ હતા, પણ એ બધા સ્ટુડિયોવાળા દાવો એક જ કરે, ‘ભઈ, જેવો ચહેરો હોય, એવા જ ફોટા આવે!’*
*એક મજ્જાની વાત પણ ગાંધી રોડને નામે લખાઈ છે... છે આવડું આવડું વ્હેંતિયું અને પગ લાંબા કરે એમાં તો ‘ફુવારા’ આવી જાય. ફુવારો હજી પત્યો ન પત્યો, ત્યાં પાનકોર નાકા આવે. એનું હજી વન-ટુ-થ્રી ગણતા હોઈએ, એ વિસ્તારને ત્રણ દરવાજા કહેવાય ને એનો હજી શ્વાસ લીધો, ન લીધો હોય ત્યાં ભદ્ર આવી જાય. અર્થાત્ ખાડિયા ચાર રસ્તાથી ભદ્રકાળીના મંદિર સુધીમાં કેટલા વિસ્તારો પત્યા? અમારા બધાનું ખૂબ માનીતું ‘સિનેમા-ડી-ફ્રાન્સ’ અને દેશભરમાં ફાફડા મશહૂર કરનાર ‘ચંદ્રવિલાસ’ લગભગ સામસામે. એ જમાનામાં ચંદ્રવિલાસના ફાફડા કરતાં ય એની દાળ વધુ વખણાતી. ચાર આનામાં તો આખું ડોલચું ભરીને આપે.*
*જગતની એકમાત્ર ‘ડબલડેકર’ મૂતરડી ગાંધી રોડ પરના ફર્નાન્ડિઝ બ્રીજ ઉપર છે. ડબલડેકરનો મતલબ એવો નહીં કે, ઉપર જઈ આવ્યા પછી એક આંટો નીચેય મારવો પડે. મન અને તન ફાવે ત્યાં જઈ આવો!*
*70 પછી જન્મેલાઓના તો માનવામાં નહીં આવે કે આ ભદ્રકાળીના મંદિરની બાજુમાં એસ.ટી.બસ સ્ટેશન હતું. એની સામે ઘોડાગાડીનું સ્ટેન્ડ. ‘ધોરાજીની બસ કેટલા વાગ્યે ઊપડે છે’ અને ‘જામનગરવાળી આવી ગઈ?’ એવી પૂછપરછો લોકો ઘોડાગાડીવાળાઓને કરતા. કહે છે કે, મોટાભાગે એસ.ટી કરતાં ઘોડાગાડીઓ વધુ જલદી પહોંચાડતી! ફાધર રિટાયર થઈને બીમાર હાલતમાં ખાટલામાં બેસી રહ્યા હોય, એવો આજના જેવો નવરોધુપ્પ પ્રેમાભાઈ હોલ નહોતો. ત્યાં નિયમિત નાટકો અને સંગીતના જલસા થતા.*
*🙏🌹નમો 🌹🙏*
સૌજન્ય:- જયદેવભાઇ ભટ્ટ 🙏🏻