આ સાથેનું ચિત્ર જોવા જેવું છે. એમાં 'વિશ્વાસ' નામની હિમશીલા છે. પાણીમાં ડૂબેલો છે હિસ્સો 'દરકાર' છે. હિમશીલાની વિશેષતા એ હોય છે કે તે પાણીની બહાર જેટલી દેખાય, તેના કરતાં અનેક ઘણી પાણીની અંદર હોય છે. સંબંધોમાં વિશ્વાસની ભાવનાનું પણ એવું જ હોય છે.કોઈ વ્યક્તિ સાથે આપણો સંબંધ વિશ્વાસના પાયા પર રચાય છે.એ વિશ્વાસના નિર્માણમાં ઘણી માટી અને ઘણી ઇંટો મુકાયેલી હોય, જે ઘણીવાર બહારથી નજર નથી આવતી. જેમ કે, આ ચિત્ર કહે છે તેમ, વિશ્વાસનો એક મોટો હિસ્સો દરકાર (પરવા, જતન, સંભાળ, કાળજી)ની ભાવના પર ટકેલો હોય છે.દરકાર અહીં રસ લેવાના અર્થમાં છે. કોઈ વ્યક્તિ મારા જીવન, મારા કામ, મારા વિચારો, મારી ભાવનાઓ, મારી ઇચ્છાઓ, મારી તાકાત, મારી કમજોરી, મારા અતીત, મારા વર્તમાન અને મારા ભાવીમાં રસ લે, તેમાં યોગદાન આપે, ટેકો આપે, તેમાં સાથ આપે તો તે મારામાં તે વ્યક્તિ માટે વિશ્વાસ જગાડે. એ કેવી રીતે થાય? ચિત્રમાં, 'દરકાર'ની આસપાસ પ્રશ્નો પૂછવા, જાતને ઈમ્પ્રુવ કરવી, ભૂલોનો સ્વીકાર કરવો, ઈમાનદારીપૂર્વક અભિપ્રાયો આપવા અને ધ્યાનથી બીજી વ્યક્તિને સાંભળવા જેવી વૃત્તિઓનું પાણી છે. મારા વિચારો, વર્તન અને ભાવનાઓમાં નિયમિત રીતે આવું 'પાણી' સિંચાતું રહે છે.