ચલો આખરે આજે બધુ રાબેતા મુજબ થઈ ગયું. બાકી કાલે વુમન્સ ડે ની પોસ્ટ વાંચી વાંચીને તો હું વિચારે ચઢી ગઈ હતી કે જો પુરુષોનું કઈ કામ જ નથી તો એ પ્રજાતિ આ પૃથ્વી નામના પ્લેનેટ પર કરે છે શું!!! એમને કોઈ અલગ પ્લેનેટ પર મોકલીને પૃથ્વીને પુરુષ વિહોણી જ કરી નાખવી જોઈએ. અને પછી નવી ઉપાધિ.. એમના માટે પ્લેનેટ શોધવાની. પછી તો અચાનક મનમાં ખતરાની ઘંટી વાગી કે જિંદગીને સરળ બનાવવા દુનિયાભરની ટેકનોલોજીની શોધ કરનાર પુરુષોએ માણસના વસવાટ માટે બીજા કોઈ પ્લેનેટની શોધ જ નથી કરી. ધાર્યા કરતા પણ વધુ ચાલક નીકળી આ પ્રજાતિ તો! એમને પહેલેથી જ એમના મહત્વની ખબર હતી એટલે સ્ત્રીઓને કાયમ માટે પોતાના અસ્તિત્વનો ત્રાસ આપવા કોઈ નવા પ્લેનેટની શોધ જ ના કરી.
કહેવાનું તાત્પર્ય ફક્ત એટલું જ કે આપણે સ્ત્રીઓની મહત્તા ગાવામાં પુરુષોની મહત્તા પર અજાણતા જ વાર કરી નાખીએ છીએ. શું આ બિનજરૂરી નથી.!? એક સ્ત્રી મા, બહેન, પત્ની, દીકરી.. જેવા વિવિધ રોલ નિભાવે છે તો શું સામે પુરુષ પિતા, ભાઈ, પતિ, દીકરો.. જેવા વિવિધ રોલ નથી નિભાવતો!? અને એ પણ કોઈ ફરીયાદ કર્યા વગર. એક વખત દિલથી વિચારી જોજો તમને જવાબ જાતે જ મળી જશે.
©Shefali Shah