ગઝલ
બાળકો ભૂખ્યા થવાના,
મા તો ભૂખી થાય નહિ,
અહીં બધાં સમજાય
કિન્તુ મા કદી સમજાય નહિ !
આ તે ક્યાંનો ન્યાય છે ઈશ્વર !
જરા સમજાવ તું :
ફૂલ કરમાઈ જતાં
પણ કંટકો કરમાય નહિ !
મોતમાંથી મોતને
શોધ્યું કદી તેં ?
તો પછી !
જિંદગીમાંથી કદી પણ
જિંદગી શોધાય નહિ.!
ભાગ્યમાં જો હોય,
આખા આભને ઝીલી શકો,
ભાગ્યમાં ના હોય તો
ફોરાંય પણ ઝીલાય નહિ !
હોય જો તાકાત તો
પર્વતને ઉંચકી ફેંક તું,
પથ્થરો સામે કદી પણ
પથ્થરો ફેંકાય નહિ.
ઊડવું જો હોય તો ઊડો
તમે, પણ શર્ત છે,
એટલું ઊડો નહીં કે
જિંદગી દેખાય નહિ !
એની સામે જીતવાના
યત્ન છોડી દો 'નિનાદ',
સામેથી હારી ગયાં
એને કદી જીતાય નહિ.
- નિનાદ અધ્યારુ