“Every time Tea time.”
સવારની ચા / અને સાંજની ચાહ
બંનેની કડક મીઠી સ્મૃતિ / કદી ભુલાતી નથી. / મૃત્યુનોંધ સાથે પીવાતી / ચાના ગ્લાસમાં હું દેખાવ તો
આંસુ ન પાડતી./ ચા ખારી થઇ જશે.
-ડી. સિંઘ સિસોદિયા
એ કાક્ષરી શબ્દ ચા સાંભળતા બગાસાંના બઝારમાં સોપો પડી જાય છે. આદું અને એલચીની સોડમ નાકથી નાભિ સુધી પહોચી જાય છે. આખા દૂધની અડધી ચાનો કરંટ કલાકો સુધી રહે છે. આખી ચાના ઓર્ડર હવે સાંભળવા મળતા નથી. અડધી ચાની શોધ મજ્દૂરે કરી પણ અડધામાંથી અડધી ચાની શોધ તો શિક્ષકે જ કરી હશે. અમદાવાદમાં કોથળીમાં લાવેલી દસ રૂપિયાની ચામાં પાંચ વ્યક્તિનું પોરસ પાછું આવે છે. મારા તો એમાં હોઠ પણ ભીના ન થાય. મસમોટા કપ સાથે અડાળીના આંગણામાં સબડકા વગર સંતોષ ન થાય. એક કિસ્સામાં ચા પીતી વખતે હસબંડ અવાજ કરતો હતો એટલે પત્નીએ છૂટાછેડા આપેલા. પ્યારા પતિદેવો સાવધાન... આવી આદતવાળાઓએ હવે હોઠ પર સાઈલેન્સર લગાવી રાખવું.
ચીન સાથે ચા પીવાના સંબંધો ભલે ન રહ્યા હોય પણ ચાની શોધ માટે એમનો આભાર માનવો રહ્યો. ચીનમાં યુનાન પ્રાંતના લીકેંગ સીટી પ્રીફેક્ચરમાં ફેગકીંગ પ્રદેશને લગભગ ૩૨૦૦ વર્ષ વિશ્વના સૌથી જૂના ખેતી કરેલ ચાના ઝાડનું ઘર ગણવામાં આવે છે. અનેક પ્રકારની ચા હોય છે. હર્બલ ટી, રેડ ટી, બ્લેક ટી, ગ્રીન ટી વગેરે તો સાંભળી હશે પણ ડુંગળીની ચાના અનેક ફાયદા છે. પાણી પછી સૌથી વધુ વપરાતું પીણું ચા છે. જેની પત્ની સારી તેનું જીવન સારું અને જેની સવારની ચા સારી એનો દિવસ સારો. ઘણાને ચા પીવે તો રાત્રે ઊંઘ ન આવે, ઘણાને ચા ન પીવે તો ઊંઘ ન આવે. વરસતા વરસાદમાં ગરમ ગરમ ગોટા સાથે ચાનો એક પ્યાલો મળી જાય તો સોનામાં સુગંધ ભળે.
છત્તીસગઢની પિલ્લી દેવી નામની મહિલા છેલ્લા ૩૩ વરસથી માત્ર ચા પર જ જીવે છે. આને કારણે લોકો એને 'ચાઈવાળી ચાચી' તરીકે ઓળખે છે. પિલ્લી દેવી જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી એને ખાવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ તે થોડાં બિસ્કીટ અને બ્રેડ ખાતી હતી. થોડા સમયમાં એ પણ ખાવાનું બંધ કરી દીધું. એ પછી માત્ર ચા પર જ જીવન ગાળે છે. અનેક ડોકટરે પિલ્લી દેવીને ચેકઅપ કર્યું પણ આ ટેવ પાછળ કયું કારણ છે એ શોધી શક્યા નથી. એ હજુ સ્વસ્થ જીવન જીવે છે. નારાયણ સ્વામીના ગરવા કંઠે ગવાયેલ 'ચા વિના મને ચેન પડે નહીં' ગવાતું ત્યારે લોકોને ટેસડો પડી જતો હતો.
કોરોના વધી જાય એટલે ચાની કીટલી પર બેન આવી જાય. જો કે ચીનમાં લોકો બીમાર પડે એટલે ચા વધુ પીવે છે, એમનું માનવું છે કે ચામાં રોગપ્રતિકારક શક્તિ વધુ છે. ઘણીવાર સંતો કરતા એના સેવકોનો પાવર વધુ કરતા હોય ત્યારે ચા કરતા કીટલી ગરમ એમ કહેવાય છે. એમ કહેવાય છે કે બુદ્ધ પાંચ વર્ષ જાગૃત રહેવા ચાના વૃક્ષના પાંદડા ચાવતા હતા. કેટલાક બંધાણીઓ ચા ન મળે ત્યારે ચાની ભૂકી મોંમાં મૂકે છે.
દારૂની લત છોડી શકાય છે પણ ચાની ચાહ ન મૂકી શકાય. એટલે જ દરેક શહેરના ચાર રસ્તા પર ચાનો ગલ્લો હોય જ. કીટલી કલ્ચરની દોસ્તી આજીવન ટકે છે. સૌરાષ્ટ્રમાં કોઈ ઘરે આવે અને ચા ન પીવડાવો તો અપમાન જેવું લાગે. ચા અને છાપાના કોમ્બીનેશન પછી જ કેટલાકને કિક વાગતી હોય છે.
અડધી ચાની પ્યાલીમાં વેપારીઓ બહેનોને મોંઘામાં મોંઘી સાડી પધરાવી દે છે. જે કામ ક્લાસમેટ ન કરી શકે એ ગ્લાસમેટ કરી શકે છે. કોઈ અમદાવાદી તમને ચા પીવા માટે આમંત્રણ આપે તો સમજવું કે બીલ તમારે આપવાનું છે. સૌરાષ્ટ્રની ગળીમધ જેવી ચામાં લાગણીની મીઠાશ ભળેલી હોય છે. ગુજરાતમાં દર ૧૦૦ ફૂટના અંતરે ચાના ગલ્લા છે. ફાઈવસ્ટાર હોટલમાં હજાર રૂપિયાની ચા કરતા કીટલી કલ્ચરમાં પીવાયેલી ચાની લિજ્જત અને લહેજત અનોખી છે.
પ્યાલામાં દાર્જિલિંગના દરિયા ઉછળતા હોય છે. ચાના પૈસા ભલે ત્યાં બાકી રખાવે પણ દેશના અર્થતંત્રની ગરમાગરમ ચર્ચા જોરદાર ચાલતી હોય છે. અમીર ગરીબ સૌ સમાનતાથી મૂઢા પર બેઠા હોય છે. સાચો સમાજવાદ અહીં જોવા મળે છે. જેમ લંડનમાં વરસાદમાં પણ લોકો આઈસ્ક્રીમ ખાય છે એમ આપણે ત્યાં ૪૦ ડીગ્રી ગરમીમાં પણ લોકો ચાની ચૂસકીમાં ચકચૂર થાય છે. ભારતમાં અંગ્રેજો ચા લાવ્યા. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથાની નાયિકા લલીતા ચા નથી પીતી કારણ કે રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત તેના પ્રેમી શેખરને મહિલાઓ ચા પીવે એ પસંદ નથી.
૧૫ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ભલે હોય પણ અમારે તો Every time Tea time.
આવજો.
સૌજન્ય “ગુજરાત સમાચાર પૂર્તિ “
🙏🏻