હકીકત એ નથી કે તેઓ જુદા થાય છે,
ફક્ત આ દુનિયાદારીમાં તેની વિદાય છે.
રચી હાથમાં મહેંદી, સોળે શણગાર છે,
આંખોમાં તેના આજ આંસુડાંની ધાર છે.
હૃદયને એને એવી રીતે સંભાળ્યું હશે,
સ્વપ્ન ખુલ્લી આંખે જોયેલું માર્યું હશે.
લાલ પાનેતરમાં તે અગનજ્વાળા હતી,
મહેંદી ભરેલા તે હાથમાં વરમાળા હતી.
માંડ માંડ કરીનેએ મુસ્કાન રાખતી હતી,
સંસારના નવા સોપાનમાં પગ માંડતી હતી.
મારી હૃદયેશ્વરી, મારા જીવનનો શ્વાસ છે,
તું સાર્થક થઈ સંસારમાં મને વિશ્વાસ છે.
મીઠા સ્વરમાં લગ્નગીતોના ગાન થાય છે,
કાને શબ્દ પડે ત્યારે મને તેનું ભાન થાય છે.
લગ્નમંડપમાં કેવું ઉત્સાહિત વાતાવરણ છે,
બધા વચ્ચે ફફડતું એક નાજુક હરણ છે.
એ ભાગ્યશાળી છે, જેને જુદાઈ જોઈ નથી,
સનમની જતી વેળાએ આંખો તેની રોઈ નથી.
આંખોની સામે જ્યારે સ્વપ્નમહેલ વિખરાય છે,
પ્રેમ શુ છે? ત્યારે ગમગીન હૃદયે સમજાય છે.
રડતું રહેતું હોય છે હૃદય, લોકો હરખાય છે,
પ્રથમ પ્રેમની જુદાઈ નો ત્યારે અહેસાસ થાય છે.
તારા રૂપના તમામ કવન હવનકુંડમાં હોમાય છે,
મહોબતના એક પડાવ પર આવું પણ થાય છે.
દૂર ઉભો રહી, તારા સંસારના નવદીપ જોયા કરું,
હૃદયને બહેલાવવા હું ખુદને તારી યાદમાં ખોયા કરું.
કેવી કપરી સ્થિતિનું જીવનમાં નિર્માણ થાય છે,
દેહ ને મૂકી આત્મા નજર આમે જતો દેખાય છે.
તારા થકી જ તો મારા જીવનમાં આવેલ બદલાવ છે,
વાસ્તવિકતા જાણવા છતાં, રમેલો મહોબતનો દાવ છે.
દોષ તને ન આપું, સમયે બનાવેલો આ બનાવ છે,
પહેલા જે હતો એટલો જ આજે પણ લગાવ છે.
ફરી રહ્યા છે એ મારી નજરની સામે સંસારના ફેરા,
દેહ બીજાને સોંપી એ મારા સાથે પહેલા જ વરેલા.
ચાલો આજ ફરી એકવાર પ્રેમીનું કર્તવ્ય નિભાવુ છું,
તારી સુખદ સંસારની સફર જોઈ હું'ય હરખાવું છું.
આપી રહ્યો છું વિદાય તને, ભેટમાં આપું છું આત્મા,
સદાય કૃપા દ્રષ્ટિ રાખે તારા જીવનમાં પરમ પરમાત્મા.
છે મહોબત આત્માની, દેહનું કોઈ અહીં કામ નથી,
પવિત્રતા રાખી છે આજ સુધી, વિકારનું નામ નથી.
ડાઘ નથી લગાવ્યો મેં તમે કરેલી મને પ્રીતમાં,
કોઈ ફેર નહિ આવવા દઉં મહોબતની રીતમાં.
ચાલો હવે જાઓ જીવ તમારે હવે મોડું થાય છે,
વળી બેસી રહીશું આપણે, સંધ્યા ટાણું થાય છે.
સાચવજો જીવ આત્માને, મનોજ જીવ જાય છે,
મજબૂરી મારી તો જોવો, આંસુ વગર રડાય છે.
મનોજ સંતોકી માનસ