...#... તંત્ર વિદ્યા (અઘોર વિદ્યા)...#...
તંત્ર...
આ શબ્દ સાંભળતાં જ દરેકના માનસપટ ઉપર ઘોરઅંધારી રાત્રે ટોળે વળાયેલા અઘોરીઓ, કે કોઇ ચોક્કસ વર્તુળની અંદર તારોળીયો બનાવીને એન મધ્યબિંદુ પર માનવ ખોપરી મૂકીને મેલી વિદ્યા કરતા તાંત્રિકની છવી ઉપસી આવે, અને શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ જાય...
ખરેખર કોઇએ ક્યારેય એક વિચાર કર્યો છે? કે, શું મહાદેવની આ અઘોર વિદ્યા કોઇના અનિષ્ટ માટે હોઇ શકે ખરી???
શું જે સત્ય છે,શિવ છે,સુંદર છે એમના થકી ઉદ્દભવેલી આ વિદ્યા મેલી હોઇ શકે ખરી?
હદ છે આ તો... "કમલ"... હદ છે,આ અજ્ઞાનતાની હદ છે. મારા અનુભવે તો સંસારમાં કોઇ પણ વિદ્યા,મેલી કે અનિષ્ટ કારક હોઇ જ ના શકે.
હા, એ વિદ્યાનો સાધક મેલો હોય એ વાત ખરી. હવે કદાચ આજે કોઇ પાસે દૈવી શક્તિ આવી જાય અને એ સંસારનું કલ્યાણ કરવાના સ્થાને સ્વયંના સ્વાર્થનું પોષણ કરવા લાગે અને એ દૈવી શક્તિ કે વિદ્યા થકી સામેવાળાનું અહિત કરવાનું શરુ કરી દે તો એ દૈવી શક્તિને આપ મેલી કહેશો? કે એના ઉપાસક ને?
તો બસ,આ જ રીતે મહાદેવની આ અઘોરવિદ્યા એ એવી શક્તિ છે કે સૃષ્ટીના કોઇપણ જીવને સહજતાથી મોક્ષ પ્રાપ્તિ કરાવી આપે છે. પણ અમુક અજ્ઞાનતાવશ મનુષ્ય જીવ આ વિદ્યાથી સંપૂર્ણત: વિમુખ થઇ ગયો છે.
અને જે લાખોમાં એક સાધક જે અઘોર સાધના કરે છે એ શરુઆતથી જ કોઇના અહિતનો વિચાર લઇને જ સાધના શરુ કરે છે.
હવે જ્યાં સાક્ષાત શિવની અઘોર વિદ્યાનું આહવાન અને અધ્યયન કોઇ સાધક કરતો હોય ત્યાં શિવગણોની ઉપસ્થિતિ સ્વાભાવિક જ છે.
અને એમાં સૌ પ્રથમ આવે શ્રી નંદી મહારાજ,ત્યાર બાદ ભૂત -પ્રેત -પિશાચ. આ બધા ગુરુભાઇ બને છે. અને એકબીજાના સહાયક બને છે. જ્યારે સાધકની સાધના પ્રેત સાથે તાલ મેળવે છે ત્યારે એ સાધક સ્વયંના સ્વાર્થ ખાતર અન્ય જીવનું અહિત કરવા માટે એ પ્રેતાત્માઓનો સહારો લે છે,અને અહિંયા જ અટવાઇ જાય છે.
આગળની યાત્રાના દ્વાર એ સાધક માટે કાયમના માટે બંધ થઇ જાય છે. મોક્ષ દ્વાર બંધ થઇ જવા છતાંય એ સાધકને કોઇ ફરક નથી પડતો,કારણ કે એને જોઇતું હતું એ પ્રાપ્ત કરી લીધું છે. આમ આ પ્રેતયોનીના ચક્રજાળમાં ફસાયેલો સાધક સ્વયંને મહા સિદ્ધ અઘોરી કે સાધકની ઉપમા આપવા માંડે છે. અને આ શક્તિઓનો દુરુપયોગ કરવા લાગે છે. આમ આ "મોક્ષદાયીની વિદ્યા " કાળક્રમે "મેલીવિદ્યા" બની જાય છે.
પણ મૂરખ એટલું નથી સમઝતો કે એ જીવ ચોર્યાસી ફેરા પણ ચૂકી ગયો અને સદાયને માટે પ્રેતયોનીમાં અટવાઇ ગયો છે. અને એવો પ્રેત કે જેને ના તો શિવગણોમાં સ્થાન મળે છે કે ના તો અન્ય કોઇ,બસ નરકની અગ્નિમાં સદાયને માટે સળગતો જ રહે છે.
તો ચાલો આજે આપણે જાણીએ મહાદેવની પ્રિય એવી "અઘોર વિદ્યા - તંત્ર વિદ્યા " કે આજની પેઢીની ભાષામાં કહું તો "ગેરંટીડ મોક્ષનું વિઝા કાર્ડ "...
અઘોરવિદ્યાએ યોગ સાથે જોડાયેલી એક રહસ્યમય સાધના પદ્ધતિ છે જે જીવનું શિવ સાથે મિલન કરાવે છે ! અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ કરાવે છે.
આપણી સનાતન સંસ્કૃતિમાં અનેક વિદ્યાઓ અને સાધનાઓનું વર્ણન છે. સાધના જ સાધકને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. આ સિધ્ધિઓ સાધકની શારીરિક, માનસિક અને આત્મિક શક્તિઓને વધારે છે. એનાથી સાંસારિક તથા આધ્યાત્મિક એમ દરેક પ્રકારના લાભ થાય છે.
- મુખ્યત્વે સાધનાના ચાર ભાગ પડે છે.
૧. તંત્ર સાધના (અઘોર વિદ્યા)
૨. મંત્ર સાધના
૩. યંત્ર સાધના
૪. યોગ સાધના.
આ ચાર માંથી આજે આપણે પ્રથમ એવી તંત્ર સાધના વિશે વિસ્તારપૂર્વક જાણશું.
"તનોતિ ત્રાયતિ ઈતિ તન્ત્ર"
અર્થાત્ કે,"વ્યાપવું, ફેલાવું, વિસ્તરવું, રક્ષવું એજ તંત્ર ".
તંત્ર શાસ્ત્ર ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે -
૧) આગમ
૨) યામલ
૩) મુખ્ય તંત્ર (અઘોર)
૧) આગમ :-
જેમાં સર્જન, પ્રલય, દેવોની પૂજા, બધા કાર્યોની સિદ્ધતા , ષટ્કર્મસાધન અને ચાર પ્રકારના ધ્યાનયોગનું વર્ણન હોય તેને આગમ કહે છે.
૨) યામલ :-
જેમાં સૃષ્ટિ તત્ત્વ, જ્યોતિષ, નિત્ય કર્મ, ક્રમ, સૂત્ર, વર્ણભેદ અને યુગધર્મનું વર્ણન હોય તેને યામલ કહે છે.
૩) મુખ્ય તંત્ર :-
જેમાં સૃષ્ટિ,મંત્ર ચયન, દેવતાઓના સંસ્થાન, યંત્ર ચયન, તીર્થ, આશ્રમ, ધર્મ, કલ્પ, જ્યોતિષ , વ્રત , શૌચ અને અશૌચ, સ્ત્રી-પુરુષ લક્ષણ, રાદાયુ ધર્મ, વ્યવહાર અને આધ્યાત્મિક વિષયોનું વર્ણન હોય તેને "મુખ્ય તંત્ર" અથવા તો "અઘોર તંત્ર"કહે છે.
અઘોર-શાસ્ત્ર શિવ અને શક્તિ ઉપાસકોનું શાસ્ત્ર છે. અઘોર ધર્મ ભગવાન શિવ દ્વારા પ્રચારિત અને પ્રસારિત શક્તિની ઉપાસના છે. યોગ યુક્ત સાધના સાથે એનો ઘનિષ્ઠ સંબંધ છે. ભગવાન શિવની દ્રષ્ટિએ આ જગતમાં માત્ર બે જ જાતિઓ છે - પુરુષ અને સ્ત્રી.
માનવ જગતની બહાર પશુ, પક્ષી, પતંગિયા, કીટ, ભ્રમર ઉદભિદ્ જાતિ છે.
"પ્રત્યેક જીવ મોક્ષનો અધિકારી છે."
સ્ત્રી અને પુરુષ બે ભિન્ન જાતિ હોવા છતાંય એમનો અધિકાર સમાન છે. એકલી સ્ત્રી કે એકલો પુરુષ અર્ધ (અડધો) અને અપૂર્ણ સત્તા છે.
પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ (પાર્વતી)ના સંયોગથી જ એ સંપૂર્ણ બને છે. એ બન્નેનો સં-યોગ જ સર્જન અને પોષણ, આનંદ અને ઉલ્લાસ, સુખ અને સંતોષ જ પરમ ધન્યતાનો બોધ ઉત્પન્ન કરે છે. શિવ અને પાર્વતી વાણી અને અર્થની જેમ સદા-સંપૃક્ત (નિત્ય જોડાયેલા) છે. એમનું અર્ધનારીશ્વર સ્વરૂપ જ જોઇ લો.
યોગમાં તંત્રનું વિશેષ મહત્વ છે. યોગ અને તંત્ર બન્ને આધ્યાત્મિક ચક્રોની શક્તિને વિકસિત કરી કુંડલિની શક્તિનું જાગરણ કરી એને ઊર્ધ્વોર્ધી કરવાની પદ્ધતિનું પ્રશિક્ષણ આપે છે. હઠયોગ અને ધ્યાન એમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. વિજ્ઞાન ભૈરવ તંત્રની ૧૧૨ ધ્યાન પદ્ધતિઓ છે. જેનું જ્ઞાન ભગવાન શિવજીએ પાર્વતીજીને અમરનાથની ગુફામાં જણાવ્યું હતું.
અનાયાસે માઁ ગૌરી નિંદ્રાધિન થઇ જાય છે અને એક કબૂતરનું જોડું શિવજીને હુંકારા ભરે છે અને અંતે આ જ્ઞાન પ્રાપ્તિ બાદ અમર બને છે.
અને મહાદેવ પાર્વતીજીને મત્સ્યા રુપે અવતાર લઇને શિવોહ્મ મંત્રને આત્મસાત કરવાનો આદેશ આપે છે. આમ માઁ ગૌરીને ફરી એકવાર મછવારાને ત્યાં "મત્સ્યા" નામે કન્યા રુપે જન્મ લેવો પડે છે.
અઘોર સાધનામાં પંચ "મકાર" નું વિશેષ મહત્વ છે...
"मद्यं मांसं च मीनं च मुद्रामैथुनमेव च"।
આ પાંચ "મ" જ "મ માયા નો મ" બનીને બધાને ભ્રમિત કરે છે. આમ અહિંયા જ બધા સાધકો પોતાની અજ્ઞાનતાવશ થાપ ખાઇ જાય છે. અને આવનારી દરેક સિદ્ધિ ના દ્વાર સ્વયંના હસ્તયુગ્મો દ્વારા બંધ કરી બેસે છે.
( ક્રમશઃ )
આવતા ભાગમાં આપણે "મ મહાદેવના મ" નો જાપ જપી,"મ મોજ ના મ" સાથે, "મ માયા ના મ"નું "મ મનોમંથનના મ" થી આપણી અજ્ઞાનતાનું "મ મર્દનનો મ"કરીશું.
ત્યાં લગી સૌને...
જય ભોળાનાથ ...
હર હર મહાદેવ.... હર...
-Kamlesh