એમનો હુકમ હોય એટલે શું અમારે માની લેવાનો ? અમારી તો ઘરમાં કોઈ આઝાદી જ નથી ? કંઈ નહિ શું કરીએ માનવું તો પડે જ ને !
ઊપરના દરેક વાક્યો કોઈક ને કોઈક કારણસર તમે ઘરમાં સાંભળ્યા જ હશે.જેમ આપણા ભારત દેશની અંદર સુપ્રીમકોર્ટ ના આદેશો બધા લોકોએ માનવા પડે છે એમ દરેક ઘરમાં કોઈ એક વડીલના નિર્ણયો પરિવાર પર લાગૂ પડતા હોય છે.એ વડીલ સુપ્રીમકોર્ટના આદેશોની જેમ ઘરમાં દરેક લોકોને આદેશો આપતા હોય છે.ઘણીવાર સુપ્રીમકોર્ટના આદેશોથી લોકો ખુશ નથી હોતા પણ તેના નિર્ણય વિરુદ્ધ જઈ નથી શકાતું એમ પરિવારમાં પણ વડીલ સામે દલીલ કે અપીલ કરી શકાતી નથી.એમનો નિર્ણય આખરી અને સર્વમાન્ય બની જાય છે.દરેક ઘરમાં વડીલનું હોવું જરૂરી છે.એમના વર્ષોના અનુભવો કોઈક ને કોઈક હિસાબે ઘરના લોકોને મદદ કરતા હોય છે.અમુક પરિસ્થતિમાં નિર્ણયો અને અનુભવો ભેદભાવ અને ગુસ્સાનું કારણ બની જતા હોય છે.
વડીલ હોવું અને વડીલ બનવું બંને અલગ વિચારો છે.વડીલ બનવામાં ક્યાંક ખુદને ના ગમતા પણ નિર્ણયો કરવા પડે છે અને કરેલા નિર્ણયોનો ભોગ જાતે પણ બનવું પડે છે.દરેક ઘરની અલગ અલગ વ્યક્તિ વડીલ હોય છે.યુવાન થતા છોકરા અને ઘરમાં નવા આવેલા બૈરા બંનેને સાચવી રાખે એ વડીલ !
ઘરમાં થતી આવક કરતાં ખર્ચના આંકડાને સમતોલનમાં રાખે એ વડીલ !