ઘણું વરસે જો વાદળ, તો મૂશળધાર કહેવાય,
યાદોમાં આંખો વરસે, એને શું કહેવાય? કહે ને!
તને જોઈ પાંપણ ઢળે, હોઠોનું વંકાવું હાસ્ય કહેવાય,
મીઠી યાદોમાં ,આંખો મલકે, એને શું કહેવાય? કહે ને!
ઉંબરો તાકે રસ્તો તારો, એ ઇન્તજાર કહેવાય,
રાહ જોતા હું ઉંબરો થઈ, એને શું કહેવાય? કહે ને!
સપ્તરંગો સજે આભે, એ મેઘધનુષ કહેવાય,
સાથ ને સ્નેહે સજે જીવન, એને શું કહેવાય? કહે ને!
રેતને ભીંજવવા દોડતી લહેરોને, ભરતી ઓટ કહેવાય,
મિલનનાં સપના સજી દોડે મન, એને શું કહેવાય? કહે ને!
✍️ સરગમ
-Priyanka Chauhan