સ્મશાન વૈરાગ્ય......
એક દિવસ અહીં જ મારે આવવાનું છે.જે દિવસ આવીશ તે દિવસ મને મુકવા આવનાર સ્વજનને કોઈ આશ્વાસન આપતું હશે.અસંખ્ય લોકો હશે.કોઈ કલ્પાંત કરતું હશે,કોઈ ચૂપ હશે,કોઈ જમીન ખોતરતું હશે,કોઈ લેણિયાત હશે તે મનમાં કહેતું હશે કે જતાં જતાં મને પણ મારતો ગયો.કોઈ લાકડાં ગોઠવવામાં મશગુલ હશે.કોઈ અગ્નિની દોણીને સજાવતું હશે.કોઈ બે હાથ લમણે મૂકી વિચાર કરતું હશે.કોઈ નોકરી ધંધે જવા ઉતાવળ કરતું હશે.બધાંને પોતપોતાને વ્યવહાર સાચવવા ઉતાવળ હશે.આમાંના ઘણાં જલ્દી સળગાવવાની માનસિક સ્થિતિમાં હશે.કોઈ ઝાડને છાંયડે બેસી બીડી ફૂંકતા હશે,કોઈ ઘરની કે રાજકારણની વાતોએ વળ્યા હશે.કોઈ સ્મશાને આવેલી ડેથ બોડીને છેલ્લી વખત જોવાની ઈચ્છા પૂર્તિ કરતું હશે.કોઈ મનમાં કહેતું હશે સારો માણસ જતો રહ્યો,બીજો મનમાં કહેતો હશે સારું કર્યું ભૂમિનો ભાર હતો,કોઈ સબંધને નાતે પરાણે આવેલા હશે તે સામાજિક રીવાજ નભાવતા હશે.બધાંને ખબર છે કે અંતે તો મારે અહીં જ આવવાનું છે,તેવું આત્મજ્ઞાન આત્મસાત કરતા હશે.આ બધું ચિત્ર સ્મશાને જઈએ ત્યારે જોવા મળશે.જેવા સ્મશાન બહાર નીકળ્યા એટલે બધી જ પ્રકારની માયાજાળમાં પાછા ફસાઈ જાય છે.(સિદ્ધપુર મુક્તિધામમાં મૃતકને લઇ જનાર દરેકને મૃતકના સ્વજનો ઘી ના લાડુનું જમણ કરાવે છે.)આવા પ્રકારના વર્તનને આપણે "સ્મશાન વૈરાગ" કહીએ છીએ.
આ વિચાર બધા ભૂલીને ફરી એજ ઘરેડમાં આપણે ખેંચાઈને અંતે આપણને ઉચકવાવાળા અન્ય લોકો આપણા નિષ્પ્રાણ શરીરને જલ્દી બાળી નાખવા લાંબા વાંસના ઘોદા મારી મારીને અંતે આપણી રાખ કરવાવાળા આપણાજ હશે.જન્મ આપનાર પણ આપણાજ હશે,અને દગો કરનાર પણ આપણાજ હશે.સારું જીવો,અન્યને ના હેરાન કરો,વ્યવહાર ચોખ્ખો રાખો,બને તો સેવા કરો.
"બાકી કોઈની રાખ સમાધિ તીર્થ બને છે અને કોઈની રાખ રાખ જ રહે."
હે !... પ્રભુ!
સૌને સમય સમયે સંભાળ લેતો રહેજે.જો કે તું અમારી સંભાળ દરેક પળે લે છે,પરંતુ અમેં પામર માનવી તને યાદ કરવામાં ભૂલી જઈએ છીએ.
- વાત્ત્સલ્ય