એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો. આ બે વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું? ‘ઇ ડિયટ્સ! યુ ડર્ટી પિગ્ઝ! ગેટ આઉટ ફ્રોમ હિઅર! રાઇટ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ...’ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર. રાતના દસ વાગ્યાનો સમય. વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઇ રહેલું એક શરમજનક ર્દશ્ય.પોતાના ઘરે આશરો લઇને પડેલાં એક આધેડ પતિ-પત્નીને ઘરની સ્ત્રીએ ગાળો ભાંડીને, અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો. બાવન વર્ષના બચુભાઇ અને પચાસ વર્ષનાં બબીબહેન હજુ માંડ એકાદ મહિના પહેલાં જ અમેરિકા આવ્યાં હતાં. ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચી સાટીને આવ્યાં હતાં. ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યાં હતાં. કોઇ પારકાના ઘરે નહોતાં આવ્યાં, બચુભાઇની મા જણી બહેનના ઘરે આવ્યા હતા. ઉમ્મીદ એટલી જ હતી કે શરૂઆતના છએક મહિના જો બહેન-બનેવી એમના ઘરમાં આશ્રય આપશે તો વિદેશની ધરતી ઉપર સ્થાયી થઇ જવાશે. દેશમાં ધંધો ચોપટ થઇ ગયો હતો અને ત્રણેય દીકરીઓ જુવાનીની ધાર ઉપર આવી ઊભવાની તૈયારીમાં હતી. જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઇ શક્યું હોત, પણ બચુભાઇની બહેનને બબીભાભી સાથે ફાવ્યું નહીં. નણંદ-ભાભીના યુગો જૂનાં વેર-ઝેર અહીં પણ નડી ગયાં. નણંદબા પંદર વર્ષથી અમેરિકાવાસી બનેલાં હોવાથી પૂરેપૂરાં પાશ્વાત્ય રંગમાં રંગાઇ ચૂક્યાં હતાં. ભાઇની મુશ્કેલીઓ, ભાભીના ગામઠી સંસ્કાર અને જુનવાણી રીતભાત એને હજમ ન થઇ શક્યાં. ન સ્થિતિ જોઇ, ન સમય અને કહી દીધું, ‘ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ!’બચુભાઇ અને બબીબહેન ચાર ચોપડી જેટલું ભણ્યાં હતાં. બહેનના શ્રીમુખમાંથી સરી પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય! પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયાં હતાં એ પ્રેમભર્યા કે નિર્દોષ તો નહોતાં જ એટલું એમને સમજાઇ ગયું અને બારણા તરફ ચિંધાયેલી આંગળી! બહેનને સમજાવવાનો કે કરગરવાનો કોઇ મતલબ ન હતો. છેલ્લા થોડાક દિવસોથી એનું વર્તન બગડતું જતું હતું. બચુભાઇ અને બબીબહેન પોતાનાં કપડાંની બેગો ઊંચકીને તે જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયાં. હાડ ઠારી દેતી ઠંડી, ગરમ વસ્ત્રોનો અભાવ, અંગ્રેજી બોલવા-સમજવાની અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત. બંને જણાં રસ્તાની ફૂટપાથ પર બેસી પડ્યાં. જાણે અધરાતે-મધરાતે કાતિલ ઠંડીમાં થીજી જઇને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી ન કરી ચૂક્યાં હોય! એકાદ કલાક આમ જ પસાર થઇ ગયો. ત્યાં એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો. આ બે થરથરતાં વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું?’સાવ સીધા-સાદા ત્રણ જ નાના સવાલો! પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા, એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની ચાર આંખોમાંથી મહી નદીનાં પાણી વહેવા લાગ્યાં. બચુભાઇએ જવાબ આપતાં પહેલાં આસમાન તરફ જોઇ લીધું, ‘વાહ રે, મારા રણછોડરાય! ડાકોરના ઠાકોર! તેં ખાતરી કરાવી દીધી કે તું ખરેખર છે! નહીંતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાંડતી હોય ત્યારે આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કાં વાત કરે...?’ બબીબહેને રડતાં-રડતાં પૂરી આપવીતી વર્ણવી દીધી. જુવાને કહ્યું, ‘યુ ડોન્ટ વરી! માફ કરજો, હું ગુજરાતીમાં બોલું છું. તમે ચિંતા ન કરશો. અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું? પણ તમે બેસી જાવ મારી કારમાં. હું એક રૂમ રાખીને રહું છું. આજની રાત તમે મારી સાથે રહેજો. પછી શાંતિથી વિચારીએ કે શું થઇ શકે તેમ છે.’ ગાડીમાં બેસીને બંને જણાં રૂમ પર ગયાં. યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો. અહીં ભણવા માટે આવ્યો હતો. સાથે નોકરી પણ કરતો હતો. પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ એનાં બે જીવનમંત્રો હતાં. એમાં આ બે જણાંનો બોજ આવી પડ્યો.ફ્રજિમાં ઠંડી પડી ગયેલી સેન્ડવિચ કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને યુવાને મહેમાનોને ખવડાવી, પોતે પણ ખાધી. દૂધ પીવડાવ્યું. પછી જમીન ઉપર ત્રણ પથારી પાથરી દીધી. બબીબહેન બોલી ગયાં, ‘બેટા, તારું નામ તો કહે!’‘ઋગ્વેદ! પણ અહીંના લોકો તો સાત પેઢી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે. માટે મેં જ ટૂંકું કરી નાખ્યું. અહીં બધા મને રોકી કહીને બોલાવે છે, પણ તમે મને ઋગ્વેદ જ કહેજો.’બચુભાઇ હસી પડ્યા, ‘બેટા, મને તો કદાચેય ફાવશે, પણ આ તારી માસીને એવું અઘરું નામ નહીં ફાવે. એના માટે રોકી જ રહેવા દે!’ પછી ગંભીર થઇને ઉમેર્યું, ‘આજ રાત પૂરતી તો વાત છે. કાલે સવારે તો અહીંથી...’‘એવી ઉતાવળ કરવાની જરૂર નથી, અંકલ! હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું. મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ ‘જોબ’માં પસાર થઇ જાય છે. સવારે વહેલો નીકળી જાઉં છું, રાત્રે અગિયાર વાગે આવું છું. તમે જો અહીં હશો, તો મને બે વાતની નિરાંત રહેશે.’ મહેમાનોને પહાડ જેવા પાડનો ભાર ન લાગે એ માટે રોકીએ હસીને કહી દીધું, ‘સવારે જતી વખતે મારે બારણું ‘લોક’ નહીં કરવું પડે અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે નહીં જવું પડે.’‘આ શું બોલ્યો, રોકી બેટા? તારી આ માસી તારા માટે એકલી ચા જ નહીં, તાજો ગરમ નાસ્તો પણ બનાવી આપશે. અમારા ખેડા જિલ્લાની બાઇઓના હાથમાં ભગવાને આ એક તો જાદુ મૂક્યો છે.’ બીજા દિવસની સવારે બબીબહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યાં. પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો સ્થપાઇ ગયો. ઇડલી, ખીચું, મુઠિયાં, બટાકાપૌંવા, ઢોકળા, ઉપમા...! રોકીની મુશ્કેલી દૂર થઇ ગઇ. એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઊઘાડવા જતો, ત્યારે બબીબહેન રડી પડતાં, ‘અમે શું કરીએ છીએ, બેટા? ખરો ઉપકાર તો તું કરે છે. પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને! બેટા, મને એ તો કહે કે પૂર્વજન્મના ક્યા સંબંધે તું આ બધું કરી રહ્યો છે?’આ જગતમાં બધા સવાલોના કંઇ જવાબો નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા. બધું સરસ રીતે ગોઠવાતું ગયું. એકાદ મહિના પછી રોકીને વિચાર સૂÍયો, ‘અંકલ, એવું ન થઇ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ? આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે ‘જોબ’ કરવા જાય છે અને ઠંડી સેન્ડવિચ ખાઇને ઊંઘી જાય છે. આપણે વેપારી દ્રષ્ટિએ એમને સગવડ પૂરી પાડી શકીએ?’થોડાક દિવસમાં એ પણ ગોઠવાઇ ગયું. રોકીએ પોતાની બચતમાંથી સરંજામ ખરીધ્યો. એક ભાડૂતી વેન અને માણસ રાખી લીધો. બબીબે’ન રોજ પાંચ વાગ્યે ઊઠીને નાસ્તાઓ બનાવે અને બચુભાઇ ગ્રાહકોના ઘરે પહોંચાડી આપે. મહેનતનો પરસેવો મહેંકી ઊઠ્યો. ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા. ત્રીજા મહિને રોકીએ સાવ બાજુમાં એક બંધ પડેલી રેસ્ટોરન્ટ ભાડેથી લઇ લીધી. હિન્દીમાં બોર્ડ મારી દીધું: ભારતીય ઉપહાર કેન્દ્ર. સફિe ઇન્ડિયન્સ કે લિયે. દિવસભર નવરાં ન પડાય એટલા ઘરાકોની કતાર જામવા લાગી. ડોલર્સનો વરસાદ વરસવા માંડ્યો. દસ જ મહિનામાં ત્રણેય જણાં તરી ગયાં. એક સાંજે બચુભાઇએ વાત કાઢી, ‘રોકી! બેટા, અમારા માટે હવે એક અલગ મકાન શોધી કાઢ. તારા માથે બહુ દિવસો પડી લીધું. ના, બેટા, તારી કશી ભૂલચૂક નથી થઇ, પણ અમારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઇએ અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા માથે બોજ...?’‘બસ, અંકલ, હવે વધુ ન બોલશો. મકાન તો આપણે મોટું લેવું જ પડશે. ત્રણેય દીકરીઓને પણ તમે તેડાવી લો. પણ આપણે રહીશું તો સાથે જ. એક બીજી વાત! તમે બંને વારંવાર પૂછ્યાં કરો છો ને આપણી વચ્ચે કોઇ સગાઇ કે સંબંધ નથી! હું તમને પૂછું છું-તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો? પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં રહે. અરે, પણ તમે બંને જવાબ આપવાને બદલે રડી શા માટે પડ્યાં? બોલો! કંઇક તો બોલો! બોલી ન શકો તો માથાં હલાવીને તો હા પાડો...’આવા સુખની તો બંનેએ સપનામાંયે કલ્પના નહોતી કરી. બચુભાઇએ અને બબીબહેને માથાં હલાવીને નહીં, પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી.
(સાવ સાચી ઘટના)
રણમાં ખીલ્યું ગુલાબ,
ડો.શરદ ઠાકર
લોહી ની સગાઈ થી ચડિયાતી રહી અહીં
માનવતા ની મહેક !!
સુપ્રભાત મિત્રો
“बे दर्द जमाना तेरा दुश्मन है तो क्या है
दुनिया में नहीं जिसका कोई उसका खुदा है”
🥵 🙏