સ્વપ્ન ભંગ
થોડીવાર પહેલાં તો વાત કરી હતી...
અરે હજી તો મોબાઇલ હાથમાં જ હતો..
કેટલા આનંદથી
તે કહ્યું હતું કે રજા મળી ગઈ
હવે તું મારી સાથે હોઈશ
આવનારને આવકારવા..
આવવાની વાત હતી.
આમ એકલા જવાની વાત નહોતી..
ક્યારેય આપેલ વચન તે નથી તોડ્યું...
તો આ વખતે જ કેમ?
હજી સમય જ ક્યાં થયો છે?
આવતા મહિનેતો હજી વર્ષ પૂરું થશે..
સલામતી ને સુરક્ષા તારે લીધેતો અનુભવતી..ઓહહહ
હવે..હું શું કરીશ?
શું જવાબ આપીશ...?
રાતના અંધકારના બિહામણા ઓળા
જ્યારે ઘેરી વળશે
ડરથી થરથર ધ્રુજતી..કાંપતી..
અજ્ઞાાત ભયથી ભાગતી હોઈશ
ત્યારે... કોણ કહેશે.. હું છું..
ના! ડરપોક નથી..
પણ તારી ગેરહાજરી મને ડરપોક...
પણ... હું શું કામ આ વિચારું છું..?
એ તિરંગામાં લપેટાયેલ તું નહોતો..
એ તો થોડાક ટુકડા હતાં..
હા! બરાબર આ કોઈ દુઃસ્વપ્ન જ..
ચાલ થોડીવાર આરામ કરું...
ના! નહીં..
પ્રિયે! આંખો કેમ બંધ કરું..?
આ સ્વપ્ન ભંગ નથી, હકીકત છે.
જે સ્વીકારવી જ પડશે..
તારા વગર જીવવું જ પડશે..
હવે તારી બદલે મારી ફરજ શરૂ
આવનારના મા-બાપની
એક પુત્રવધુ મટી પુત્રની
નાનકાને બેનની ભાભી મટી ભાઈની..
મહેદીને બદલે રક્તભીના હાથથી
પ્રિયે વિદાય આપીશ...
અધૂરી ઈચ્છાઓ
સપનાંઓ અને આંખોના આંસુને સળગાવી..
માતૃભૂમિનું ઋણ ચુકવીશ..
જય હિન્દ
વંદે માતરમ્..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ