*વિદાય.....*
કુંવારી આંખોના સપનાં
દરિયો બની પડઘાતાં
જિંદગીની વાસ્તવિકતાએ
ચકનાચૂર વેરણ છેરણ થયા.
સંવેદનાની જાગૃત અવસ્થાએ
અજન્મા દીકરીને વચન આપ્યું
તારા દરેક સપનાં પૂરા કરીશ
રીતરિવાજોના વાડા તોડી
તને તારું આકાશ આપીશ...
તારા જન્મથી હું પણ જન્મી
મા બની..
તારા બાળપણને હું પણ જીવતી..
તારી સાથે સાથે અનેક સપનાં ફરી જોયા
સાથે એક સપનું તારા લગ્નનું ...
અર્ધજાગ્રત મનમાં ઉછરવા લાગ્યું..
મારા આંગણની કોયલ
આજ તેના ટહુકાથી
બીજા આંગણમાં કલરવ કરવા ચાલી..
મારા બગીચાની સુવાસ..
આજ મહેક બની ફેલાય..
તુલસી કયારાની રોનક
પોતાના મૂળિયા ઉખેડી
બીજા કયારામાં રોપાવા ચાલી..
સુના કરી પિયરના દ્વાર
કંકુ થાપા કરી ...
મા બાપુ ભાઈ બહેન સ્વજનોને
ભરતીના દરિયે છોડી ચાલી..
અઢળક આશા સાથે
આજ એણે ઉડાન ભરી..
એક વિશ્વાસ મનમાં સ્થાપી..
મા બાપુના આશિષ સાથે
પ્રિયતમનો પ્યાર હૃદયમાં ભરી
સ્વ ગગન તરફ પ્રયાણ..
એક વચન સાથે
અધૂરા સપનાંનાં ભાર વિના
મા! તારી છાયા
તારા સંસ્કાર તારી મહેક
સાથે આપ વિદાય.
બેટા...
તુલસી કયારો
આંગણ
અને તારી ઢીંગલી
તારો રૂમ બધું એમજ છે
પણ
છતાં એક સૂનકાર પડઘાશે
ના!
આજતો અમારી ઢીંગલીની વિદાય
ભરચક હૈયું આજ ખાલીખમ
હૃદયનો ખાલીપો અચાનક વધી ગયો..
શું આ રિવાજ જરૂરી છે..?
કાળજાના કટકાને
અજાણ્યા ધરને પોતાનું કરવા
વિદાય આપવી?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ