આજના આ દિવસે કઈક થયું હતું, બસ ભૂલી ગયા ને,
એક એક માણસ આજે રોયું હતું, બસ ભૂલી ગયા ને.
તમારા ગુલાબી ચમનને ખીલવવા, પ્રેમ સાથે મિલવવા,
માતૃભૂમિ ની રક્ષા કરવા, ને ગયા હતા વીર ત્યાં લડવા.
ગયો હતો તંદુરસ્ત દીકરો, વીર, અને પતિ ફરજ ભરવા,
આ છોડી પરિવારનો પ્રેમ એ ગયા હતા શહીદીને વરવા.
કોઈએ પૂરું શરીર ક્યાં જોયું હતું, બસ ભૂલી ગયા ને.
તમે તમારી પ્રિયતમાને મહોબતનો પ્રસ્તાવ ધરતા હતા,
અને પુલવામાં દેશના જવાન કટકા કટકામાં મરતા હતા.
એ અંતિમ શ્વાસે ચૂમે છે ધરાને, તમે સનમને ચુમતા હતા,
ને કથિત પ્રેમના દિવસે ચરમપંથીઓ કાવતરા ઘડતા હતા.
ઘણા પરિવારે ઘરનું મોભી ખોયું હતું, બસ ભૂલી ગયા ને.
કઈક તો ખામી રહી હતી મેળવવા ખુફિયા જાણકારીમાં,
બાકી રક્તની નદીઓ ન વહે ક્યારેય કાશ્મીરની ક્યારીમાં.
કોઈક તો છુપાયા છે જયચંદ ને મીર ઝાફર, ફુલવાળીમાં,
કઈક તો ફરક રાખો સેક્યુલરો, નાગફણી અને હજારીમાં.
બાગમાં સુગંધિત ફૂલ કરમાયું હતું, બસ ભૂલી ગયા ને.
ક્યાં સુધી શહીદ કરતા રહેશો જવાન, હવે તો અંત લાવો,
ઉઠે જે હાથ માતા ભારતીના દેહ પર, એ કાપી હાથ લાવો.
કઈરીતે વિસ્ફોટક આવ્યું પુલવામાં, ગુન્હેગારને સામે લાવો,
ગાંધીની અહિંસાને છોડો, ભગતસિંહનું સ્વાભિમાન જગાવો.
"મનોજ" આજે રક્તનું વહન થયું હતું, બસ ભૂલી ગયા ને.
મનોજ સંતોકી માનસ