ગુજરાતના વિકાસમાં નાગરોનું યોગદાન
નાગર પાઘડીઓની આંટીઘૂંટીની પણ એક દુનિયા છે. એ જમાનામાં પાઘડી પરથી મનુષ્ય કયા પ્રદેશનો છે એ સમજાતું. સુરતની પાઘડી નર્મદના ચિત્રમાં છે એવી હતી. પાટણની ચાંચવાળી પાઘડી લોકમાન્ય ટિળક જેવી હતી. જામનગરની વૈદ્યરાજો પહેરે છે એવી એક તરફથી ઊંચી હતી. અમદાવાદની દીવાની પાઘડી પણ ઘણા ફોટાઓમાં જોવા મળે છે. હાલારની પાઘડી આજે રામપ્રસાદ બક્ષીની પાઘડીને મળતી આવતી હતી. જૂનાગઢની જરા બેઠેલી, તપેલું ઊંધું મૂક્યું હોય એવી લાગતી. વારાણસીના નાગરો આ બધાથી જુદા આકારની પાઘડી પહેરતા અને એનો મિજાજ ઉત્તર ભારતીય હતો.
હિન્દી ભાષાની લિપિ જે રીતે લખાય છે એને નાગરી કે દેવનાગરી લિપિ કહેવાય છે. હવે એ સ્વીકૃત હકીકત છે કે આ નાગરી લિપિ વડનગરના નાગર બ્રાહ્મણોએ ઉત્પન્ન કરી હતી. ઉત્તર ભારતના નાગર બ્રાહ્મણો ત્રીજી કે ચોથી શતાબ્દીમાં ગુજરાતમાં પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે. એમની જાતિનું પ્રથમ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર વડનગર હતું. નાગરોએ બીજું કંઈ જ ન આપ્યું હોત તો પણ આ નાગરી લિપિ માટે એ ઇતિહાસમાં અમર થઈ ગયા હોત. નાગરોના આ અમર યોગદાન વિષે હજી તલસ્પર્શી અભ્યાસ બાકી છે.
માળવામાં વીસનગરના નાગરો હતા. સૌરાષ્ટ્રના અને ખંડવાના નાગરો વચ્ચે સંબંધ હતો. નાગરો જયપુરમાં હતા, દૂર કર્ણાટક સુધી હતા. ગોવાના દરિયાકિનારે પણ ‘હાટકેશ્વરાય નમઃ’ સંભળાય છે. મહેસાણાના નાગરો ભૂજમાં વસ્યા હતા. આસામમાં પણ હાટકેશ્વરનાં મંદિરો છે! બુલંદશહરના નાગરો મુસ્લિમ બન્યા હતા. ઉત્તરના નાગરો બનારસ, લખનૌ આદિ સ્થળોએ સ્થાયી થઈ ગયા. મુંબઈમાં ગ્રાન્ટ રોડથી શરૂ થયેલા નાગર આજે સાન્તાક્રુઝ-વીલેપાર્લેમાં જામી ગયા છે.
ગુજરાતની સંસ્કારયાત્રામાં એક પછી એક ચુનંદા નાગર નામો દૃષ્ટિ સમક્ષ આવતાં જાય છે. 11મી સદીમાં વેદ-વેદાંગમાં ભાષ્યકાર ઉવ્વટ થઈ ગયા. 13મી સદીમાં સોમેશ્વર અને નાનાક જેવા કવિઓ આવ્યા. નાગરી નાતે જેમને દુ:ખી કર્યા, પણ સમસ્ત ગુજરાતે છાતી સાથે લગાવી દીધા એ મહાન નરિસંહ મહેતા પંદરમી સદીમાં છવાઈ ગયા. પછી પદ્મનાભ આવ્યા. કવિ દયારામની ગરબીઓ લોકજીવન સાથે જોડાયેલી છે.
આધુનિકોમાં આદ્ય એવો એક વીરપુરૂષ નાગરોએ પેદા કર્યો. નર્મદ! પછી ફેફસાં ભરાઈ જાય એવાં ઝળહળતાં નામો : નવલરામ નરિસંહરાવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, કમળાશંકર, કેશવ હર્ષદ ધ્રુવ, કવિ કાન્ત, રામનારાયણ પાઠક, ભૃગુરાય અંજારિયા, ગુણવંતરાય આચાર્ય, જીતુભાઈ મહેતા, યશોધર મહેતા.
નાગરોએ સાહિત્યની પરંપરાના દિગ્ગજોનું કામ કર્યું છે. ગુજરાતી સાહિત્યની મશાલ ઉઠાવીને અગ્રસર થનારા આ શબ્દલોકના જાંનિસાર હતા. દરેક પેઢીએ નાગર સાહિત્યકારો ગુજરાતી ભાષાને એમનું યોગદાન આપતા રહ્યા છે.
ગુજરાતી સાહિત્યના પંડિતયુગના ઘણાખરા સિતારાઓ નાગર હતા. એ કદાચ સૌથી શિક્ષિત હતા. એટલે ઘણી બાબતોમાં પ્રથમ રહેવાનું માન એમને મળે છે. નવલકથાના ક્ષેત્રમાં ગુજરાતીની પ્રથમ કૃતિ ‘કરણ ઘેલો’ ગણાય છે. એ સુરતના નંદશંકરે લખી હતી. નવલકથાના પિતામહ અને ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી નડિયાદના નાગર હતા. આધુનિક ગુજરાતી નવલકથાના જન્મદાતા પણ નાગર હતા - રમણલાલ વસંતલાલ દેસાઈ! ટૂંકી વાર્તાની દુનિયામાં પ્રથમ વાર્તાકાર બહુ નાની વયે અવસાન પામ્યા. પણ સાહિત્યમાં લેખક મલયાનિલ એમની ‘ગોવાળણી’ મૂકી ગયા છે. રમણલાલ મહિપતરામ નીલકંઠ ગુજરાતીની પ્રથમ સંપૂર્ણ હાસ્ય નવલકથા ‘ભદ્રંભદ્ર’ આપે છે.
હાસ્યની દુનિયામાં પણ નાગર આશ્ચર્યકારક રીતે છવાઈ ગયા છે - ગગનવિહારી મહેતા. હાસ્યના સમ્રાટ જ્યોતીન્દ્ર દવે, ‘મસ્ત ફકીર’, બકુલ ત્રિપાઠી, પ્રબોધ જોષી (તારક મહેતા પણ નાગર છે. એ ખાનગી વાત! અને વિનોદ ભટ્ટને વટલાવવાની વાત ચાલી રહી છે) અને કટાક્ષચિત્ર ક્ષેત્રે રમેશ બૂચ તથા લલિત બૂચ મશહૂર છે.
અમદાવાદના કાપડ ઉદ્યોગના પિતા રણછોડલાલ છોટાલાલે પહેલી મિલ સ્થાપી હતી. 1961માં! એમના જ પરિવારમાં સર ચીનુભાઈ બેરોનેટ થયા. સર લલ્લુભાઈ બીજું એક યશસ્વી નામ.
સૌરાષ્ટ્રના રાજકારણમાં શક્તિશાળી દીવાનો આવી ગયા - ગૌરીશંકર ઓઝા, ગોકુળજી ઝાલા, અમરજી દીવાન, શામળદાસ કૉલેજ જેમના નામથી જાણીતી છે એ શામળદાસ દીવાન. પ્રભાશંકર પટ્ટણી, નર્મદના ભાઈ સૂર્યશંકર પણ દીવાન હતા. એક બહુ ઊંચું નામ - રત્નમિણરાવ ભીમરાવ. આજના રાજકારણનાં નામોથી તો બધા જ પરિચિત છે : ઉચ્છરંગરાય ઢેબર, ગુજરાતના મજૂરનેતા ઈન્દુલાલ યાજ્ઞિક, હરિયાણાના રાજ્યપાલ જયસુખલાલ હાથી, હિતેન્દ્ર દેસાઈ, હંસાબહેન મહેતા અને મહારાષ્ટ્રની કો-ઑપરેટિવ પ્રવૃત્તિના પિતા વૈકુંઠભાઈ મહેતા તથા ભારતના અમેરિકાના રાજદૂત એમના ભાઈ ગગનવિહારી મહેતા!
દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સરદાર પટેલના સહકારી આી.સી.એસ. અફસર એન.એમ. બૂચ નાગર હતા. મુત્સદ્દીગીરી નાગરોની જાણે ‘હૉબી’ છે! આજે પણ ગુજરાત વિધાનસભાની છિનાઝપટી કુશાગ્ર કુન્દનલાલ ધોળકિયા સ્પીકર તરીકે સંભાળે છે.
વિદ્વાનો અને સુધારકો હરસિદ્ધભાઈ દિવેટિયા, દુર્ગારામ મહેતાજી, મહિપતરામ, ભોળાનાથ સારાભાઈ....! સમાજશાસ્ત્રી અક્ષયકુમાર ર. દેસાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન છે. તૈલચિત્રકક્ષામાં એસ.એમ. બૂચે અને અંગ્રેજી પત્રકારત્વમાં હરીશ એસ. બૂચ નામાંકિત છે.
શિક્ષણક્ષેત્રે નાગરોનુ પ્રદાન યશસ્વી છે. નાનાભાઈ ભટ્ટે ભાવનગર પાસે લોકભારતી અને દક્ષિણામૂર્તિ શરૂ કર્યા, જામનગર પાસેની ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક ડોલરરાય માંકડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપિત હતા. હંસાબહેન મહેતાએ પણ શિક્ષણ તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવા આપી છે.
ગુજરાતમાં આયુર્વેદના જનક ઝંડુ ભટ્ટ જામનગર રાજ્યના રાજવૈદ્ય હતા. હાડકાંના દર્દોના આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત ઓર્થોપિડિક સર્જન ડૉ. કે.ટી. ધોળકિયા અને જસલોક હૉસ્પિટલના ચીફ ડૉ. ટી.એચ. રિન્ડાણી પણ નાગર છે.
તાનસેનને શિકસ્ત આપનાર મહાન બૈજુ બાવરો ચાંપાનેરનો નાગર બૈજનાથ હતો. બૈજુ બાવરાએ રાગ મૈલકૌંસને અમર બનાવ્યો અને તાનસેનના દીપક રાગની આગને ઠંડી પાડનાર તાનારીરી બહેનો વડનગરની નાગર કન્યા હતી.
આધુનિક સંગીતના ક્ષેત્રે અવિનાશ વ્યાસ ગુજરાતી ઘરઘરમાં લોકપ્રિય થઈ ચૂક્યા છે. નીનુ મઝુમદાર અને કૌમુદ્દી મુનશી, દિલીપ ધોળકિયા, રેડિયોના વિનાયક વહોરા અને ક્ષેમુ દિવેટિયા, ગરબાની દુનિયાથી એકમાત્ર હસ્તી વીણા મહેતા, ગુજરાતી નાટકની જાણીતી અિભનેત્રી મીનળ મહેતા (પટેલ) અને ફિલ્મ-નાટક પત્રકારત્વના હરિન મહેતા બધા જ ખ્યાતનામ નાગર!
ક્રિકેટમાં નાગરોને અમરત્વ આપનાર એક નામ, અનેકને ઢાંકી દેનારું એક નામ - મૂળવંતરાય માંકડ જેને દુનિયા વિનું માંકડ નામથી ઓળખે છે! એમની પ્રણાલિકા અશોક માકંડ સંભાળે છે. બંદૂકની નિશાનીબાજીમાં ઉદયન ચીનુભાઈ, જેમણે 1962થી 1970સુધી શૂટિંગની આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
નામાંકિત નાગરોની આ તો નાનકડી યાદી થઈ. હવે લીલાશ પડદા બદામી રંગની આંખોવાળી છોકરી તમને પૂછે કે....
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)m