વેબગુર્જરી
સાયન્સ ફેર : ઘોસ્ટ સ્ટોરીઝ-૧ – શું આઈન્સ્ટાઈનની થિયરી ભૂતનું સમર્થન કરે છે?
Posted: 14 Nov 2019 11:00 AM PST
જ્વલંત નાયક
વિજ્ઞાનમાં માનનારા લોકો સમજે છે કે ભૂત જેવું કશું હોતું નથી, તેમ છતાં અડધી રાત્રે સ્મશાનમાં એકલા જતા એમને ય ડર તો લાગે જ! એકલા ભારતીયો જ અંધશ્રધ્ધાળુ નથી, પણ વિશ્વની દરેક પ્રજા ભૂત-પિશાચ-ચૂડેલ વગેરેમાં વિશ્વાસ કરે છે. યુરોપ-અમેરિકામાં જેટલા ‘હોન્ટેડ હાઉસ’ આવેલા છે, એનું લાંબુલચક લિસ્ટ જોશો તો આ વાત સમજાશે. વિશ્વ સાહિત્યમાં પૌરાણિક ગ્રંથોથી માંડીને શેક્સપિયરના ‘મેકબેથ’ જેવા નાટકો સુધી ભૂતોની વાતો-વાર્તાઓ વાંચવા મળશે. સાંપ્રત સાહિત્યમાં પણ ભૂતકથાઓનો તોટો નથી!
કોઈ વૈજ્ઞાનિક આધાર મળતો ન હોવા છતાં ભૂતનું અસ્તિત્વ હોવાની માન્યતા આટલી મજબૂત, આટલી વ્યાપક હોવા પાછળનું કારણ શું? મુખ્ય કારણ એ છે કે સામાન્ય માણસની બુધ્ધિમાં બેસે એના કરતા જરા ઉપલા લેવલનું આ વિજ્ઞાન છે. ચાલો, નવા વર્ષમાં આપણે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજીએ.
કોઈ દલીલ કે વાદ-વિવાદ દરમિયાન જો તમારે સામેવાળાની માન્યતાઓનો ભુક્કો બોલાવી દેવો હોય, તો એના સૌથી મજબૂત તર્કને પોતાની ફેવરમાં કરી લેવો જોઈએ. ભૂતના અસ્તિત્વના સમર્થકો પણ આ જ નિયમને અનુસરીને આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકની થિયરીઝને જ પોતાની દલીલ તરીકે રજૂ કરે છે, અને ખૂબીની વાત એ છે કે એમની આ ‘વૈજ્ઞાનિક આધાર’ ધરાવતી દલીલ તમને ય પહેલી નજરે સાચી લાગશે, વાંચો.
આઈન્સ્ટાઈને આપેલા ઉર્જાના નિયમ મુજબ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ, એનું સર્જન કે વિનાશ કરી શકતા નથી. હવે આપણા શરીરમાં પણ ઘણી બધી ઉર્જા અનેક સ્વરૂપે સંગ્રહાયેલી છે. દાખલા તરીકે આપણું હૃદય ધબકે છે અને આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે, એ આખી પ્રક્રિયા ઉર્જા વિના તો શક્ય જ નથી ને! આપણે સામાન્ય બોલચાલની ભાષામાં આ ઉર્જાને ‘ચેતના’ તરીકે ઓળખીએ છીએ. આ ચેતનાને કારણે જ આપણું શરીર સામાન્ય હુંફાળું હોય છે, આપણા શ્વાસ ચાલે છે અને આપણું ચેતાતંત્ર કાર્યરત હોય છે. પણ મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે – આઈન્સ્ટાઈનના નિયમ મુજબ – આ ચેતનાનો નાશ થતો નથી, પરંતુ આ ચેતના શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેના પરિણામે શરીર ઠંડું અને જડ-સ્વરૂપ થઇ જાય છે, શરીરમાં ચાલતી તમામ જૈવિક પ્રક્રિયાઓ બંધ પડી જાય છે. આ મૃત્યુની સાદી સમજ છે. પણ અહીં સામાન્ય માણસોને એવો પ્રશ્ન જરૂર થાય, કે શરીરની બહાર નીકળી ગયેલી પેલી ચેતના (એટલે કે ઉર્જા) આખરે ગઈ ક્યાં? અધ્યાત્મિક રીતે જોઈએ તો સદગતિને પામેલ જીવ ‘બ્રહ્મલીન થયો’ એમ કહેવાય છે. (દરેક ધર્મશાસ્ત્રમાં આ અંગે જુદી જુદી વિભાવનાઓ છે) અર્થાત, મૃત્યુ પામનાર વ્યક્તિની ચેતના, સૃષ્ટિની પરમ ચેતના સાથે એકરૂપ થઇ ગઈ. પણ જેની દુર્ગતિ થઇ હોય, એની ચેતના ક્યાં જાય? ‘જાણકારો’ને મતે આ પ્રકારની ચેતના અતૃપ્ત અવસ્થામાં ભટકતી રહે છે, જેને આપણે ‘ભૂત’ કહીએ છીએ!
છે ને મજેદાર તર્ક?! તમને વૈજ્ઞાનિક રીતે વિચારતા પણ આ વાત સાચી જ લાગશે. આઈન્સ્ટાઈનની થિયરી સાચી હોવા વિષે તો બે-મત નથી જ. તો પછી મૃત્યુ બાદ શરીરની ચેતના ગઈ ક્યાં, એ વિચારવું જ રહ્યું, ખરુને?! વળી આજકાલના આધુનિક ગણાતા ઘોસ્ટ બસ્ટર્સ ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીઝમાં રેડિયોએક્ટિવેશન માપવા માટે વપરાતા ‘ગીગર મ્યુલર કાઉન્ટર’ (જીએમ કાઉન્ટર) જેવા ટચૂકડા ઉપકરણો સાથે લઈને ફરે છે. હોન્ટેડ પ્લેસ તરીકે ઓળખાતા ભૂતિયા સ્થળોએ આ પ્રકારના સાધનો વડે ચોક્કસ પ્રકારની રેડિયો એક્ટિવ ઉર્જાની હાજરીની ભાળ મેળવવામાં આવે છે. જેથી એ સ્થળે કોઈ ખાસ પ્રકારની ‘ચેતના’ હાજર છે કે નહિ, એ જાણી શકાય! હવે આવા સંજોગોમાં જીએમ કાઉન્ટર જેવું વૈજ્ઞાનિક ઉપકરણ કોઈક પ્રકારની સંદિગ્ધ એક્ટિવિટી નોંધે, તો તમારે એ માનવું તો પડે જ ને?! જી ના, જરાય નહિ! હવે આ ‘વૈજ્ઞાનિક આધાર ધરાવતા ધુપ્પલ’ પાછળનો વૈજ્ઞાનિક તર્ક સમજીએ.
પહેલી વાત, આજ સુધી આવા ઘોસ્ટ હન્ટર્સને નક્કર પુરાવા મળ્યાનું વિજ્ઞાને સ્વીકાર્યું નથી. કેટલાક સ્થળોએ મેગ્નેટિક ફીલ્ડની હાજરી હોય, તો એ કોઈ અતૃપ્ત આત્માને કારણે જ હશે, એવું માની લેવાને કોઈ જ કારણ નથી! આ માટે એક કરતા વધુ કારણો-પરિસ્થિતિ જવાબદાર હોઈ શકે છે. હવે વાત આઇન્સ્ટાઇનની થિયરી બાબતે.
મનુષ્ય કે પછી બીજો કોઈ પણ સજીવ મૃત્યુ પામે, ત્યાર બાદ એની સઘળી ઉર્જા બીજે ક્યાંય ‘ભટકવા’ને બદલે સીધી વાતાવરણમાં ભળી જાય છે. મૃત્યુ બાદ શરીર ઠંડું પડી જાય છે, કારણકે ઉર્જાનો મોટો હિસ્સો શરીરમાંથી ઉષ્મા સ્વરૂપે મુક્ત થઈને વાતાવરણમાં ભળી જાય છે. વળી જો કોઈ કોઈ મૃત શરીરને દાટવામાં આવે અથવા રઝળતું છોડી દેવામાં આવે, તો કુદરતના સફાઈ કામદારો તરીકે જાણીતા સૂક્ષ્મજીવો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દાટવામાં આવેલા શરીરો વિઘટન પામીને ભૂમિમાં ભળે છે. જમીનમાં શોષાયેલા એ તત્વો ફરી એક વાર વનસ્પતિ દ્વારા શોષાઈને જૈવ-ચક્રમાં ફરતા રહે છે. ટૂંકમાં, મૃત્યુ બાદ શરીરમાંથી વિવિધ સ્વરૂપે છૂટી પડેલી તમામ ઉર્જા સ્વરૂપ બદલીને જૈવ-ચક્રમાં જ રહે છે. આમ આઈન્સ્ટાઈનની થિયરી પણ સાચી ઠરે છે, અને શરીરમાંથી છૂટી પડેલી ચેતના જ ‘ભૂત’ તરીકે પ્રકટવાની વાતનો પણ છેદ ઉડી જાય છે!
આમ, આઇન્સ્ટાઇનની થિયરી ભૂતની માન્યતા આધાર આપે છે, એ માન્યતા સાવ ખોટી સાબિત થાય છે. પરંતુ હજીય એવી ઘણી બાબતો છે, જે શંકા પેદા કરે છે. એમના વિષે જાણીશું ૨૯ નવેમ્બર, ૨૦૧૯ના અંકમાં
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.