કવિતા 'પછી શામળિયોજી બોલિયા"
પછી શામળિયોજી બોલિયા તુંને સાંભરે રે?
હા જી, નાનપણાની પ્રીત મુને કેમ વીસરે રે?
આપણ બે મહિના સાથે રહ્યાં તુંને સાંભરે રે?
હા જી, સાંદીપનિ ઋષિને ઘેર,મુને કેમ વિસરે રે?
આપણ અન્નભિક્ષા માગી લાવતા તુંને સાંભરે રે?
હાજી જમતાં બંનેય સાથ મુને કેમ વિસરે રે?
આપણે સુતા એક સાથ રે તુંને સાંભરે રે?
સુખ દુઃખની કરતા વાત મુને કેમ વિસરે રે?
પાછલી રાતના જાગતા તુંને સાંભરે રે?
હાજી કરતા વેદનો પાઠ મુને કેમ વિસરે રે?
ગુરુ આપણા ગામે ગયા તુંને સાંભરે રે?
હાજી જાચવા કોઈ શેઠ મુને કેમ વિસરે રે?
કામ દીધું ગોરાણીએ તુંને સાંભરે રે?
કહ્યું લઈ આવો કાષ્ટ મુને કેમ વિસરે રે?
શરીર આપણાં ઉકળી ગયાં તુંને સાંભરે રે?
હાજી લાગ્યો સૂરજનો તાપ મુને કેમ વિસરે રે?
ખંભે કુહાડા ધરિયા તુંને સાંભરે રે?
ઘણું દૂર ગયા રણછોડ મુને કેમ વિસરે રે?
આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તુંને સાંભરે રે?
હાજી ફાડ્યું મોટું ઝાડ મુને કેમ વિસરે રે?
ત્રણ ભારા બાંધ્યા દોરડે તુંને સાંભરે રે?
હાજી આવ્યા બારે મેહ મુને કેમ વિસરે રે?
શીતળ વાયુ વાયો ઘણો તુંને સાંભરે રે?
હાજી ટાઢે થરથરે દેહ મુને કેમ વિસરે રે?
નદીએ પૂર આવ્યું ઘણું તુંને સાંભરે રે?
ઘન વરસ્યો મૂશળધાર મુને કેમ વિસરે રે?
એકે દિશા સૂઝે નહિ તુંને સાંભરે રે?
થાતા વીજ તણાં ચમકાર મુને કેમ વિસરે રે?
ગુરુજી નીસર્યાં ખોળવા તુંને સાંભરે રે?
દેતાં ગોરાણીને ઠપકો અપાર મુને કેમ વિસરે રે?
આપણ હૃદયસરસા ચાંપિયાં તુંને સાંભરે રે?
હાજી તેડીને લાવ્યા ઘેર મુને કેમ વિસરે રે?
રચયિતા:મહાકવિ પ્રેમાનંદ
સુદામા તદ્દન અકિંચન અને કૃષ્ણ એટલે શાશ્વત ઐશ્વર્ય. સાંદિપની ઋષિના આશ્રમમાં બંને સાથે ભણતા ત્યારથી નિ:સ્વાર્થ દોસ્તી. આગળ જતાં કૃષ્ણ રાજા થયા અને સુદામા ગૃહાસ્થાશ્રમ માંડી બેઠા. પત્નીના આગ્રહથી અને પત્નીએ ભીખ માગી આણેલા તાંદુલ લઇને સુદામા દ્વારકામાં આવ્યા ત્યારે મૂર્તિમંત દરિદ્રતા જાણે જોઇ લ્યો પરંતુ સુદામાનું નામ સાંભળીને શ્રીકૃષ્ણ દોડયા. સુદામાને લઇને શ્રીકૃષ્ણ અંદર આવ્યા ત્યારે બટકબોલી સત્યભામાથી રહેવાયું નહીં. ‘હરિ આને ઊઠી શું ધાયા રે ભલી નાનપણી માયા રે’ પટરાણીઓના ચહેરા પરથી તેમના મનની વાત જાણી જઇને ભગવાને કહ્યું-‘‘મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. હું જે ભોગવું રાજયાસન એ તો આ બ્રાહ્મણનું પુણ્ય. જે સ્ત્રી કરશે એની સેવા, એ મુજને વ્હાલી તત્ખેવ’’.
પછી તો બંને મિત્રો બાળપણનાં સંભારણાં તાજાં કરે છે… પછી શામળિયાજી બોલિયા તને સાંભરે રે…
હજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે…’ સુદામા શ્રીમંત મિત્ર પાસે કંઇ માંગતો નથી પણ શ્રીકૃષ્ણ માગ્યા વિના મિત્રની ભીડ ભાંગે છે. માનવ જગતમાં શ્રીકૃષ્ણ- સુદામા જેવી અજોડ દોસ્તીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે.