“શરદપૂનમ કોજાગરી પૂનમ તરીકે પણ ઓળખાય છે.”
એક શેઠ હતા.તેઓ ગર્ભશ્રીમંત હતા, ધન ઐશ્વર્ય પુષ્કળ હતું. પરંતુ લક્ષ્મીનો સ્વભાવ તો ચંચળ હોય છે, આજે અહિયાં તો કાલે બીજે ત્યાં.
શેઠે એક રાત્રે સ્વપ્ન જોયું કે એક સ્ત્રી તેમના ઘરના દરવાજામાં થી નીકળી ને બહાર જઈ રહી હતી.
શેઠે તેને પૂછ્યું :- " હે દેવી આપ કોણ છો? મારા ઘરમાં આપ ક્યારે આવ્યા અને મારું ઘર છોડીને આપ શા માટે અને ક્યાં જઈ રહ્યા છો?"
તે સ્ત્રી બોલી ," હું તારા ઘરની વૈભવ લક્ષ્મી છું. કેટલીય પેઢીથી હું અહિયાં નિવાસ કરી રહી છું પરંતુ હવે મારો સમય અહિં સમાપ્ત થઈ ગયો છે એટલે હું આ ઘર છોડીને જઈ રહી છું. પરંતુ હું તારી ઉપર પ્રસન્ન છું કારણકે જેટલો સમય હું તારી પાસે રહી , તેં મારો સદુપયોગ કર્યો.સંતોને ઘરે આમંત્રિત કરી તેમની સેવા કરી, ગરીબોને ભોજન કરાવ્યું, કે ધર્મશાળા, ગૌશાળા, કૂવા , તળાવ અને વાવ બનાવ્યા. તેં લોક કલ્યાણ અને પરોપકાર ના ઘણા કાર્યો કર્યા. હવે જતી વખતે હું તને વરદાન આપવા ઈચ્છું છું, જે જોઈએ તે મારી પાસે થી માંગી લે."
શેઠે કહ્યું," મારી ચાર વહુઓ છે. હું તેમની સાથે સલાહ મશવરા કરીને આપને જવાબ આપીશ. કૃપા કરીને આપ કાલે પધારજો.
શેઠે ચારે વહુઓ ની સલાહ લીધી. તેમાં થી એકે રૂપિયા થી , બીજીએ અનાજના ગોદામ તો ત્રીજી એ સોના ચાંદથી ભરેલી તિજોરી માંગી. બધાથી નાની ચોથી વહુ ધાર્મિક કુટુંબમાં થી આવી હતી .
તેણે કહ્યું: " પિતાજી લક્ષ્મી ને જવું હશે તો તે જશે જ અને આપણે જે વસ્તુઓ માગશું તે કાયમ માટે રહેવાની નથી. સોના ચાંદી, રૂપિયાના ઢગલા માગશું તો આપણી આવનારી પેઢી અહંકાર અને આળસ માં પોતાનું જીવન બરબાદ કરી દેશે. એટલે તમે લક્ષ્મીજી ને કહો કે તેને જવું હોય તો અવશ્ય જાય પરંતુ આપણને વરદાન આપે કે આપણા ઘરમાં હંમેશા નીતિ અને ધર્મનો વાસ રહે , સત્પુરુષોનો આદર સત્કાર થાય , પ્રભુ સેવા થતી રહે તથા પરિવારના સભ્યોમાં અરસપરસ પ્રેમ રહે કારણ કે પરિવાર માં પ્રેમ રહેશે તો વિપત્તિના દિવસો પણ આસાનીથી પસાર થઈ જશે."
બીજે દિવસે રાત્રે લક્ષ્મીજી એ શેઠને સપના માં આવી ને પૂછ્યું," તેં તારી વહુઓ ની સલાહ લઈ લીધી ? શું જોઈએ છે તારે ?"
શેઠે લક્ષ્મીજી પાસેથી નાની વહુએ જે જે કહ્યું હતું તે બધું માગ્યું.
લક્ષ્મીજી આ સાંભળીને ચોંકી ગયા અને કહ્યું :
"તથાસ્તુ, પણ આ તેં શું માગી લીધું ! જે ઘરમાં હંમેશા નીતિ અને ધર્મનો સદા વાસ રહે , સત્પુરુષોનો આદર સત્કાર થાય , પ્રભુ સેવા થતી રહે તથા પરિવાર ના સભ્યોમાં અરસપરસ પ્રેમ રહે તે ઘરમાં સાક્ષાત નારાયણનો વાસ રહે છે. અને જે ઘરમાં નારાયણ રહે છે તે ઘરમાં થી તો હું ચાહું તો પણ જઈ ન શકું કારણ કે હું નારાયણનાં ચરણોમાં રહું છું .આ વરદાન માગીને તેં તો મને આ ઘરમાં રહેવા વિવશ કરી દીધી છે."
આમ કહીને લક્ષ્મીજી શેઠના પરિવારમાં ફરીથી બિરાજમાન થયા.
પૌરાણિક કથા મુજબ આસો મહિનાની પૂનમને દિવસે સમુદ્ર મંથન દરમિયાન મહાલક્ષ્મી નું પ્રાગટ્ય થયું હતું. શરદપૂનમ કોજાગરી પૂનમ તરીકે પણ ઓળખાય છે.