નજરને મેળવી હાલત નશાની મેળવી લેશું,
તમારી આંખમાં પ્યાલી સુરાની મેળવી લેશું…
પ્રણય ને રૂપની દુનિયા જરા આબાદ થવા દો,
અમે બરબાદ કીધેલી જવાની મેળવી લેશું…
તમે ચાલ્યાં ગયાં છો એટલે તો મોત માગ્યું છે,
તમે જો આવશો તો જીંન્દગાની મેળવી લેશું…
સુકાશે તોય વહેતી રાખીશું જીવનસરીતાને,
ઘટામાંથી ફરી એની રવાની મેળવી લેશું…
કરે છે જુલ્મ તું એનો ય જ્યારે ગર્વ છે અમને,
થશે શું જ્યારે તારી મહેરબાની મેળવી લેશું…
ન લલચાવો નહીં તો બંદગીમાં ભૂલ થઇ જાશે,
ખુદાને બદલે આ દુનિયા ખુદાની મેળવી લેશું…
તમારી યાદનો સંબંધ છે જો દર્દની સાથે,
જીગરમાં જખ્મની જેવી નિશાની મેળવી લેશું…
અમારા મોત પર આંસુ તમારા કેમ જોવાશે,
તમે રડશો તો પાછી જીંન્દગાની મેળવી લેશું…
મરણમાં સૌએ મળવા આવશે, સંતોષ છે બેફામ,
જીવનની આખરી પળ તો મજાની મેળવી લેશું…
‘બેફામ’