.
ll ઉપલેટાથી વીસ કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું એક એવું મંદિર છે કે જ્યાં દેશ અને વિદેશમાંથી અનેક પત્રો ગુજરાતીમાં તો કોઇ પત્રો હિન્દીમાં આવે છે. દરેક ભક્તો બાપાના મંદિર સુધી પહોંચી શકતા ના હોવાથી ટપાલ દ્વારા આવેલા ભક્તોના પત્રો મંદિરના પૂજારી દિલસુખગીરી ગોસ્વામી એકાંતમાં ગણપતી બાપા સમક્ષ વાંચીને તેમની સમસ્યા ગણપતિ બાપાને સંભળાવે છે. ઢાંકમાં આવેલા ગણપતિ બાપાના આ મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષ પૂર્વેનો છે. હાલ અહીં દરરોજ પચાસથી વધુ પત્રો આવે છે. મંદિરમાં ગણપતિ બાપાનું મુખ ગામ તરફ છે અને પ્રાચીન ગ્રંથ મુજબ આવા ગામો પર કુદરતી આફતો આવતી નથી. મંદિરના પૂજારી જણાવે છે કે ભક્તોની સમસ્યાના પ્રશ્નો પત્ર લખનાર હું અને ગણપતિ દાદા ત્રણ જ જાણીએ છીએ. બે હજાર વર્ષ પહેલા ઢાંક ગામનું નામ પ્રેહ પાટણ હતું. લોકવાયકા પ્રમાણે એક સંતે શાપ આપતા અહીંના ધન – દોલત માટીના થઇ ગયા હતા. આથી આ ગામના લોકો દુખી બની ગયા હતા. ગ્રામજનોએ સંતના શાપમાં થી મુક્તિ મેળવવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને પ્રેહ પાટણ યથાવત સ્થિતિમાં આવી ગયું. વનવાસ દરમિયાન પાંડવોએ અહીં ગણપતિદાદાના દિવ્ય સ્વરૂપની પૂજા કરી હોવાની લોકવાયકા છે. દરેક ગણેશ મંદિરમાં ગણેશજીનું વાહન ઉંદર હોય છે. પરંતુ ઢાંકમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરે સ્વયંભૂ પ્રગટ એવા પાંચ ફૂટ ઊંચા સાડા ચાર ફૂટ પહોળા એવા ગણેશજી ની મૂર્તિ આવેલ છે. જેનું વાહન સિંહ છે જે ક્યાંય પણ જોવા મળતું નથી. અંગારકી ચોથ તેમજ ગણેશ ચતુર્થીને દિવસે મંદિરે યજ્ઞ કરવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્રના મુંબઈ, પુના, નાસિક તેમજ ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવાને આ સિદ્ધિવિનાયક મંદિરે ઉમટી પડે છે. ll