'મિચ્છામિ દુક્કડમ'
‘મિચ્છામિ દુક્કડમ' કહેવાને માત્ર ઔપચારિકતા ન બનાવીયે...
મેં જૈન ધર્મ પાળતાં પરિવારમાં જન્મ લીધો છે પરંતુ જૈન ધર્મના સિદ્ધાંતોનું સંપૂર્ણ આચરણ કરી શકું એટલી સમર્થ હજી નથી બની શકી. મારા બા હંમેશા કહેતા કે બહુ પુણ્યના ઉદય હોય ત્યારે આવો ધર્મ પાળવાનો મોકો મળે. મને ત્યારે એ સમજાતું નહિ કે કેમ આ ધર્મ પાળવાનો મોકો મળવો એ આશીર્વાદરૂપ છે. પરંતુ આજે મને એ સમજાય છે કે જૈન એક ધર્મ નથી 'સાધના' છે. યોગની આઠ નિયમોની સીડીનું સાતમું અને આઠમું પગથિયું એટલે જૈન સિદ્ધાંતો. 'આત્મકલ્યાણનો પ્રત્યક્ષ માર્ગ'. જૈન પરિવારમાં ન જન્મેલા લોકો પણ જૈનના અમુક સિદ્ધાંતોને માને છે અને સહર્ષ નિભાવે છે ત્યારે જેના પર પરમકૃપાળુ પરમેશ્વરે દયા કરી સ્વયં એ માર્ગ ચીંધ્યો હોય એ ભાગ્યશાળીજ કહેવાય. અલબત્ત, એને સમજીને નિભાવવું એ તો વ્યક્તિગત જવાબદારી છે. વાત અહીં આ ધર્મની મહાનતાની નથી, ઊંડાણ અને સુક્ષ્મતાની છે. નાનામાં નાના જીવને પણ આપણાં થકી કોઈજ દુઃખ કે હાની ન પહોંચે એના માટે સજાગ રહેતા શીખવે એવો ધર્મ. જ્યાં નિર્બળનું શોષણ થતું હોય એવી દુનિયામાં તમને દયાળુ અને કરુણામય થવાનું કહી તમારામાં મૃદુતા જન્માવે એનાથી વિશેષ શું હોય? દયા, કરુણા અને સંવેદના ! જૈન ધર્મનો દરેક સિદ્ધાંત સાયન્ટિફિક રીતે સાબિત થઈ શકે છે. બાળદીક્ષા કે આકરા તપ કરવા પર ઘણાને પ્રશ્નો અને શંકા છે. એના પણ જવાબો છે પરંતુ એ દલીલથી સમજાવી ન શકાય. ઘણીવાર એવું માનવામાં આવે છે કે જૈન ધર્મ જીવતા નહીં માત્ર છોડતાજ શીખવે છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે પકડી રાખવામાં હંમેશા પીડા થાય છે એ પછી અહમ હોય કે સંપત્તિ, લડત કે કોઈ વિવાદ. જ્યાં સુધી એની પકડ આપણાં હાથમાં છે ત્યાં સુધી સંપત્તિ સાચવવાનાં, અહમને પોસવાનાં, વિવાદ માટે મુદ્દા શોધવાના, લડત માટે તૈયાર રહેવાના વિચારો આપણને સતત વ્યસ્ત રાખે છે શાંતિ નથી આપતા. પરંતુ એક વાર બાંધ છૂટ્યા પછી જે મુક્ત વેગથી પાણીનો પ્રવાહ વહે છે એ મુક્તિનો જે અહેસાસ કે અનુભવ છે એ 'છોડવામાં' છે. છોડ્યા પછી શાંતિ થઈ જાય છે કોઈજ અસલામતી કે ભય નથી રહેતો. પરંતુ આ દુનિયામાં મોટાભાગે આપણે પામવાં માટેજ કાર્યરત હોઈએ છીએ એટલે ત્યાગ કે સમાધાન માટે સજાગ નથી હોતા. આજના યુગમાં મહાવીરના રસ્તા પર ચાલવાનું તો દૂર જો એકાદ બે સિદ્ધાંતનું [અહિંસા કે નિંદા ન કરવી] સંપૂર્ણ પાલન કરવામાં પણ આપણે હારી જઈએ છીએ એટલે નહીં કે આપણે અશક્ત છીએ પરંતુ એટલે કે બીજા આપણને કમજોર ન સમજે એના પર આપણે વધુ ધ્યાન આપીએ છીએ. કમજોરનું શોષણ હંમેશથી થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ થશે જ. ઇતિહાસ સાક્ષી છે કે નબળો હાર્યો છે અને બળવાન જીત્યો છે. પરંતુ જીત હંમેશા સુખ, શાંતિ કે મુક્તિ લઈને નથી આવતી. જીત પામીને પણ પાંડવો અંતે બધું છોડીને સંન્યાસ લઈ હિમાલય જ ગયા હતા. આ માર્ગ મહાવીર પહેલે થીજ શીખવે છે અને એટલેજ એ સૌથી કપરો છે અને સમજવો ખૂબ જ અઘરો. અંગત રીતે મારુ એવું માનવું છે કે છોડતાં પહેલા થોડું ભોગવી લેવું જોઈએ, પામી લેવું જોઈએ કારણ કે પામ્યાં પછીજ ત્યાગનો આનંદ થાય છે, એક અપાર સંતોષ! થોડું એટલે કેટલું બસ એની સીમા વ્યક્તિએ જાતે નક્કી કરવી પડે છે. મોટાભાગે એ થોડા માંજ માણસ જીવનભર ફસાઈ જાય છે અને એ માયાજાળ માંથી છૂટી નથી શકતો કે છોડવાનો આનંદ નથી પામી શકતો.જે જીવાત્મા પામવાની અભિરુચિ રાખ્યા વગર છોડવામાં સમર્થ બની જાય એના માટે આ માર્ગ અત્યંત સરળ બની જાય છે.
જૈન ધર્મ વ્યક્તિગત ઉન્નતિનો માર્ગ દર્શાવે છે. એમાં દુનિયામાં રહેલાં આકર્ષણો,પ્રલોભનોથી લેપાય ન જતા ત્યાગ અને સંયમથી ધીરે ધીરે આ સંસારને જ છોડવાની ચાવી બતાવી છે. એના માટે સૌથી અગત્યનો સિદ્ધાંત જે મહાવીર કહે છે એ છે અહમ છોડવાનો. અહમ, એ વ્યક્તિગત હોય, જાતિનો હોય, સામર્થ્યનો હોય, હોદ્દાનો હોય, પૈસાનો કે જ્ઞાનનો. અહમ છે એટલેજ આ સમાજ છે, સમુદાય છે, વિરોધ છે અને ચર્ચાવિચારણા છે. અહમ વગર માનવ શૂન્ય થઈ જાય છે એ પછી કોઈનો નથી હોતો અને એના માટે કોઈ નથી હોતું. ન સમાજ કે ન પરિવાર કે ન સંપત્તિ...મહાવીર જે 'અહમશૂન્યતા' ના રસ્તા પર ચાલ્યાં એ સમજવો અતિ કઠીન છે તો એના પર ચાલવું તો કેટલું મુશ્કિલ હોય?પરંતુ સમાજમાં, પરિવારમાં રહીને પણ માણસ એકબીજા સાથે હળીમળીને રહી શકે એ માટે અહમ છોડવાની અને ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની ભાવના કેળવવાની શીખ મહાવીર આપે છે.
માત્ર સંવત્સરીના દિવસ પૂરતું જ કે માનવજાત પુરુતું જ સીમિત નહીં પણ દરેકે દરેક જીવને દરરોજ ખમાવવાની ભાવના સાધવાની છે. ફોરવોર્ડ મેસેજ થકી નહીં વ્યક્તિગત રીતે ફોન કરી, બને તો રૂબરૂ મળી માફી માંગવાની વાત છે, અંતઃકરણ થી. એવાં ઘણાં દાખલા હોય છે જ્યાં જરૂર ન હોવા છતાં આપણે માફી માટેના મેસેજ મોકલીએ છીએ પરંતુ જ્યાં સાચેજ મન દુભાવાયું હોય, સંબંધ તૂટ્યો હોય, તોછડાય કરી હોય ત્યાં માફી નથી માંગી શકતાં. એ વ્યક્તિને ફોન કરતા હાથ નથી ચાલતાં કારણ કે અહમ નડે છે. વળી, માફી આપવી એ તો માંગવા કરતા પણ વધુ અઘરી છે, ખૂબ જ વિશાળ હ્દય જોઈએ એ માટે...બસ એજ કરવાનું છે એક નહીં અનંત જીવોને સાચાં દિલથી માફી આપવાની છે અને માફી લેવાની છે ...દુનિયાની અને વ્યક્તિગત જીવનની મોટાભાગની સમસ્યાઓ માફી માંગી લેવાથી અને આપી દેવાથી હલ થઇ જાય છે. જયારે નિરાકરણ આપણી પાસે છે તો પછી શું કરવા આપણે મનનાં સંતાપથી પીડાઇયે?
હું સર્વને ખમાવું છું સર્વે માને ખમાવે...બે હાથ જોડી મસ્તક નમાવી અંતઃકરણથી 'મિચ્છામિ દુક્કડમ' કહી દઈએ.જ્યાં ખરેખર કેહવાની જરૂર છે ત્યાં ફોરવર્ડ મેસેજ થકી નહિ અંગત રીતે ફોન કરી, મળીને.
વ્યક્તિગત ઉન્નતિ, શાંતિ,સુખ-દુઃખથી ઉપર સમયજ્ઞ દર્શન તરફ પ્રભુ સહુને જવાની સદબુદ્ધિ અર્પે એજ પ્રાર્થના.
મારા FB પરિવારમાં, મારા વિચારો થકી જો કોઈનું મેં દિલ દુભાવ્યું હોય તો મને માફ કરશોજી...🙏
Written by-Mittal Chudgar Nanavati
#mittalchudgarnanavati