પ્રાર્થના
અંતર મમ વિકસિત કરો, અંતરતર હે,
નિર્મલ કરો, ઉજ્જવલ કરો,સુંદર કરો
હે.
જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.
સંગે સહુની એક કરો બંધન કરી મુક્ત,
કર્મ સકલ હો સદ્ય તુજ શાંતિછંદ યુક્ત.
(યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે, શાંત તોમાર છંદ.)
ચરણ કમલે મુજ ચિત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
(ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.)
રચના: કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર
પ્રસ્તુત કવિતામાં એક પણ શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી. એકે-એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ કવિતા કમળ બનીને અંતર ભીતર ખુલે છે. આપણા ને જે પંક્તિ સવિશેષ સ્પર્શી જાય તે છે; યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ. મને બધાની સાથે જોડો અને મારા બધા બંધનો તોડો .અહીં ‘બધા’ શબ્દ ખૂબ અગત્યનો છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને સગપણ લાગણી સંબંધ અને -દરજ્જાની ગણતરી કર્યા વિના સર્વની સાથે સમ્યકભાવે જોડો. હું હું ન રહું,બધામાં ભળી જાઉં. સમરસ થઇ જાઉં. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે પણ કવિતાનો ઉત્તમ ભાગ તો બધા બંધનોથી મુક્ત કરોની પ્રાર્થનામાં છે. બધાની સાથે જોડાઈને પણ બધાથી મુક્ત કરો. આ વિચાર આપણને સ્પર્શી જાય એવો ગહન છે.
પ્રસ્તુતકર્તા: ડો ભૈરવસિંહ રાઓલ