વિરહ ગીત :વીજલડી રે
વીજલડી રે...
વીજલડી રે...હે
આમ ઝબકીને હાલ્યા જવાય નહિ
એક વાર ઝબકો એમાં
ટાઢક શું થાય એ કહો (૨)
રે મુને તાર્યા વિના રહેવાય નહિ
વીજલડી રે...
વીજલડી રે...હે
આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ
નારી એક જ્વાલા
એની પૂંઠે પાગલ થવાય નહિ ઠાલાં (૨)
ઘાયલ થયાની ગત ઘાયલ જ જાણે
એ મુંને લાગેલો જખમ છો ને ભવોભવ રૂઝાય નહિ (૨)
વીજલડી રે...
વીજલડી રે...હે
આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ.
***************************
સ્વર :મન્ના ડે અને સુલોચના વ્યાસ
ગીતકાર -સંગીતકાર : અવિનાશ વ્યાસ
ફિલ્મ: હોથલ પદમણી વર્ષ ૧૯૬૯
ગીતનું ફિલ્માંકન: ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા પર ફિલ્માવવામાં આવ્યું છે.
(તાત્પર્ય: આ પ્રેમી બેલડી નું વિરહ ગીત છે.જેમ ક્ષણભર આકાશમાં વીજળી ચમકી ને નજર સામે થી ઓઝલ થઇ જાય છે; તેમ પ્રિયતમા થોડોક સમય પીયુ ના જીવનમાં આવી વિખુટી પડી જાય છે.તેની વિરહ વેદના આ ગીત માં અભિવ્યક્ત થાય છે. આ ગુજરાતી ગીતો માં મારું સૌથી મનગમતું ગીત છે.)
હોથલ પદમણી એ એક અમર પ્રેમ વાર્તા છે. સ્વર્ગની અપ્સરા હોથલ પદમણી અને મૃત્યુલોકનાં માનવી ઓઢા જામ ની પ્રેમકથા કે જે ગુજરાતી લોકસાહિત્ય માં અમર છે.હોથલ પદમણી ગુજરાતી ફિલ્મો ના સુવર્ણ યુગ માં બનેલી એક સફળ ગુજરાતી ફિલ્મ છે. હોથલ પદમણી આખ્યાન પણ ભજવાય છે. ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્ર ના રસધાર ભાગ-૪ માં આ વાર્તા રસપ્રદ શૈલીમાં સામેલ કરવામાં છે.
અવિનાશ વ્યાસ ટૂંક પરિચય :
ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ પોતાની આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન ; આપણા પ્રાચીન ગુજરાતી ભજનોની શક્તિ દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ,
વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.
સંકલન અને રજુઆત:
ડો ભૈરવસિંહ રાઓલ