આહિર જાદવ ડાંગર
ભાવનગર રાજ્યે ચિતલ પર ચડાઈ કરવાનું નક્કી કર્યું અને એવું અવળું સૂજ્યું કે હવે તો કાઠી દરબારોનું નામ જ મિટાવી દઈએ તો કાઠિયાવાડમાં જૂનાગઢ પછી કોઈ આડું જ ન આવે,આની સામે કાઠી દરબારો પણ એકઠાં થવા માંડ્યા કે એમ કાંઈ થોડું મોટું રજવાડું છે તે એનાથી ફાટી પડાય આપણે પણ સૂરજદાદાની દયાથી તેમને જરૂર મહાત કરશું એમ કાંઈ આપડે થોડા બંગડીયું પહેરીને કચ્છથી આવ્યા છીએ. આ માટે સમગ્ર કાઠિયાવાડના કાઠી દરબારોએ ચિતલ દરબાર કુંપાવાળા, જેતપુર વીરાવાળા અને જસદણના વાજસુર ખાચરના નેતૃત્વમાં ભાવનગર રાજને પાછું પાડવા માટે ત્રણેય પરજના કાઠી દરબારો ખાચર, ખુમાણ અને વાળાનો એક સંઘ રચી મળ્યા અને ચર્ચાઓ મંડાણી કે હવે તો આપણા અસ્તિત્વનો અને આબરૂનો આ સવાલ છે.
આ મહાસંમેલનની વા વાતુ છેક ભાવનગર લઈ ગયો ત્યારે ભાવનગરે નક્કી કર્યું કે આ બધા ભેગા થઈ કશુંક કરે એ પેલા જ આપણે તેને હેઠા બેસાડી દેવા જોઈએ તો આતાભાઈએ (મહારાજા વખતસિંહજી) તો કાઠી દરબારોને મહાત કરવા રાતોરાત સમગ્ર ગોહિલ કુળને ભેગું કરી ફોજ તૈયાર કરીને ચિતલની ઉપર ઈ.સ.૧૭૯૩ માં ચડી આવ્યા પણ સામે પક્ષે દરબાર કુંપાવાળાએ આ લડાઈ માટે જબરદસ્ત તોતિંગ તોપો તૈયાર કરી રાખી એ તોપુના ગોળા ગોહિલ લશ્કરના માથાઓનું ખળું કરી નાંખે એવા હતા, આ તોપો જૂનાગઢના નવાબ હામદખાનજી પહેલાએ પૂરી પાડી હતી.ભાવનગરની છાવણીમાં આ તોપુની વાતો પણ પહોંચી પણ છતાં ભાવનગરે ચિતલ પર ચડાઈ કરી પણ કાઠી દરબારોએ ચિતલના દરવાજા અંદરથી બંધ જ કરી દીધા અને મેદાની લડાઈને બદલે આમ જ અંદરથી લડતા રહ્યા.
આતાભાઈ અને કાઠી દરબારોના લશ્કર વચ્ચે સામસામી એવી જાકાજીક બોલી રહી છે ને ગોહિલ લશ્કરના સૈનિકો એક પછી એક ખપ્પરમાં હોમાતા જાય છે ને ચિતલના પાદરમાં લોહીની નીકો વહી રહી છે પણ હવે ૪૦ દિવસના ઘેરાં પછી તો ભાવનગરનું લશ્કરને ભા દેવાણી જેવા સેનાની પણ મુંજાયા છે કે ભારે કરી આમને આમ તો આપણું લશ્કર સાવ નામશેષ થઈ જશે કારણ કે કાઠી દરબારોની તોપોના ધણણ કરતા એવા એક પછી એક ગોળા છૂટતા ને તે ખળાએક જગ્યામાં સાવ પટ્ટ કરી નાંખતા એમાં બિચારું કૂણું માખણ જેવું માનવ શરીર તો એની સામે કેટલીક જીક જીલે ત્યારે બધા જ મુંજાઈને બેઠા છે રાત્રે સભા ભરવામાં આવી કે હવે શું કરવું ? જો આ તોપોને ખીલા જડી દેવામાં આવે તો જ આપણે જીતી શકીએ એમ છીએ .આ માટે સભામાં બીડું ફેરવવામાં આવ્યું કે કોણ છે મરદનું ફાડિયું અને કોની મા એ સવાશેર સૂંઠ ખાધી છે તે આ બીડું ઝડપી લે છે સૌ ડાયરો જોઈ રહ્યા છે ચારેબાજુ સુનકાર છવાઈ ગયો છે મોતના મુખમાં જાગતા જ કોણ હાથ નાંખે તે ભલભલા જુવાનડાના મોઢા શરમથી ઝુકી ગયા પણ એમાં ખૂણામાં ઊભેલો પાંચ હાથ પૂરો ને ભાયાણીની પાલી જેવા જેના કાંધરોટા છે અને હાથીની સૂંઢ જેવી ભુજાઉં છે એવો અકળકંધો જુવાન ઊભો થયો ને કહે બાપુ જો આપનો હુકમ હોય તો બોલો હું ચિતલના ગઢ ઉપર ચડીને તોપોમાં નાગફ્ણીયું જડી આવું !
ઘડીક તો બધા રાજપૂતોના શ્ર્વાસ અદ્ધર થઇ ગયા કે શું આ આહીર આ કામ કરી શકશે, એલા ત્યાં તોપના ગોળાની સામે ચડીને જવાશે હો કાંઈ કિલ્લા ઉપર ચડવાની સીધી કેડી નથી કે તું જઈને નાગફણીઓ જેમ એક બાઈડી કમાડને તાળું મારે એવી સલુકાઈથી મારી આવે.પણ જુવાન તો ખૂબ જ જુસ્સા ને પોરહમાં છે ને વધુમાં કહે છે કે બાપુ હવે તો જીવતો રહીશ તો જ આપને મળીશ બાકી તો મરી જાવशતો આવું રૂડું મોત તો ભાગ્યશાળીને મળે મને મૃત્યુની જરાયપરવા નથી .
ભાવનગર મહારાજાને પણ આ જુવાન ઉપર હજુ તો વિશ્ર્વાસ નથી કે આવું કામ થોડો કરી શકે તે પૂછે છે કે એલા જુવાન તારું નામ ગામ કયુ છે ને કઈ નાતનો છો ભાઈ. આ સમયે વીર જવાને આગળ આવી મહારાજા વખતસિંહજીને નમન કરી કહ્યું કે બાપુ મારું નામ છે જાદવ ડાંગર ને લંગાળુ ગામનો આહીર છું બસ મારે એક જ કામ કરવું છે કાં કીર્તિ પામવી અથવા ભાવનગર રાજ્ય માટે જ મોતને ભેટવું ને જો સફળ થઈ જઈશ તો ઇતિહાસમાં અમર બની જઈશ. આવા શબ્દો સાંભળતા ગોહિલનાથ આતાભાઈ ખુશ થઇ ગયા અને બોલ્યા કે શાબાશ બેટા એમ કહીને જાદવના વાંહામાં ધબ દઈને વાંહો થાબડી કહ્યું કે જા સફળ થા, અને ફિકર કરતો નહિ જો કશું આડું અવળું થશે તો તારા ઘરની ચિંતા કરતો નહિ હો.આતાભાઈના આશીર્વાદ લઈ જાદવ તો બિલ્લીના પગે ઉપડ્યો ને કિલ્લાની ઉપર ચડ્યો ત્યાં તો તોપો ડાચા ફાડીને પડી હતી તે જાદવ આડું અવળું જોવે છે કે ક્યાંક કોઈ જોતું કરતું તો નથીને બાકી અહીંથી જ ભફાંગ દઈને હેઠો નાંખશે જ્યાં પહોંચી ભેટેથી હથોડી છોડીને તોપના કાનમાં માંડ્યો ખીલા ધરબવા ત્યાં તો અવાજ આવતા ખબર પડી ગઈ અને તેની સામે ગોળીઓ છૂટી એને ચૂકવતા ચૂકવતા ને પોતાના અંગને બચાવતો એક પછી એક પાંચ તોપને નાગફણીઓ ઝડી દીધી પણ તેના શરીરે અનેક ઘાવ પડ્યા છે ધુમાડાના ગોટે ગોટા ઊડે છે એમાંથી જાદવ ડાંગર નીકળી આવ્યો. જેમ કાનુડે કાળિયા નાગને નાથ્યો એમ જ જાદવ ડાંગરે બધી જ તોપને નાથી દીધી.
જયારે બીજી બાજુ ગોહિલ છાવણીમાં શાંતિ છવાઈ ગઈ છે ને દરેકનો જીવ તાળવે ચોટયો છે કે જાદવ ડાંગરનું શું થશે ત્યાં તો કોક બોલ્યું કે એ આવ્યો ઘોડી ખેલવતો વીર આહીર વિજયની વિજયમાળા પહેરીને આવ્યો. ત્યારે આતાભાઈએ તો જાદવ ડાંગરની સામે દોડી ગયા અને બાપ દીકરાને ભેટે એમ ભેટી પડ્યાને બથમાં લઈને બોલ્યા કે ધન્યછે વીર તારી જનેતાને અને તારી વફાદારી અને વીરતાને કે તે આવું જબરૂ જોખમ ભર્યું કામ એકલે હાથે સફળ રીતે પાર પાડ્યું છે અને જાદવ ડાંગરને સરપાવ રૂપે ૩૦૦ વિઘા જમીન લખી આપી.
બીજે જ દિવસે ભાવનગરની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની તોપો લઈ એ ફોજે ચિતલ ઉપર જોરદાર આક્રમણ કર્યું ને ખેદાન મેદાન કરી નાખ્યું પછી ચિતલ પર ગોહિલોનો ધ્વજ ફરકાવી દીધો અને દરબાર ભાયાવાળાને બાન પકડી લીધા પણ પછી કુંકાવાવ પાસે છોડી મૂક્યા અને ઈ.સ.૧૭૯૭ માં ચિતલ પણ પાછું સોંપી દીધું અને એક સબળ દુશ્મન સાથે દોસ્તી કરી કુનેહ બતાવીયા !
જાદવ ડાંગરને બિરદાવતું ૨૫ પંક્તિનું ‘વીર આહીરની વિજયમાળા’ નામનું ગીત તારાનાથ એમ.વ્યાસે રચીને આ વીરને બિરદાવીને ઈતિહાસને પાને અમર બનાવ્યો છે. આ લડાઈ પછી કાઠિયાવાડમાં બે નવી કહેવત શરૂ થઈ ‘કરી નાખ્યું છે ચિતલના પાદર જેવું’ બીજી કહેવત 'પડ્યું છે ચિતલના પાદર જેવું’ આ ઉપરાંત આ લડાઈના કેટલાક દુહા પણ રચાયા છે અને ભાવનગર રાજ્યે સિહોરના દરબારગઢ માં ભૂજના કારીગર પાસે ચિત્રો દોરાવ્યા અંને બાવન પાનાંનો આ લડાઈના ચિત્રો વાળો બેનમૂન ગંજીપતો પણ બહાર પાડ્યો હતો.
જય મુરલીધર જય માતાજી
-મહેશ ઠાકર