ઈશ-મિતાનાં સંવાદો
'નહીં સચવાય..'
--આજે તો હું બહુ જ ખુશ છું ઈશ ! તને ખબર છે, આજે તો...
--એક મિનિટ, પહેલાં મને એ કહે કે મને કેમ યાદ કર્યો તેં?
કેમ બોલાવ્યો છે મને તેં?
--તો કોને બોલાવત હું? બેહદ ખુશી અને અસહ્ય પીડામાં તને જ તો યાદ કર્યો છે ને મેં, હંમેશાં.
--એટલે હું તારા હાથની કઠપૂતળી છું, એમ ને?
તુૃં ઈચ્છે ત્યારે યાદ કરે, ઈચ્છે ત્યારે બોલાવે, ઈચ્છે એ વાત કરે અને પછી... રવાના કરી દે.
--અરે ! તને રવાના થવાનું ક્યારે કહ્યું મેં? તુૃં જ જતો રહે છે વારે ઘડીએ.
આ જો ને, હું તો કેટલું બધું કહેતી હોઉં છું તને.
દિવસભરનો તાળો તને કહીને જ તો ગોઠવું છું હું.
જરાક અમથી સોય ભોંકાઈ ગઈ હોય કે ગરમ તવીએ આંગળી ચંપાઈ ગઈ હોય,
ઉંબરે ઠેસ વાગી હોય કે ખાતા ખાતા ઉધરસ ચડી હોય,
એ મને વઢ્યા હોય કે વહાલથી ચૂમ્યા હોય...
બધું જ કહેતી રહું છું તને.
પણ તુૃં સાંભળતો જ નથી ને !
આમ એકાદ સવાલ કરું ત્યારે જ હાજર થાય છે તુૃં, એનું કંઈ નહીં?
--વિચારું છું કે સવાલેય ન સંભળાતો હોય તો કેવું સારું, આવવું ટળે મારે.
--તે ન આવીશ પણ. તને મુક્ત જ રાખ્યો છે ને મેં? ક્યાં પરાણે તેડાવું છું તને?
--પરાણે તેડાવી તો જો તુૃં મને.
--તો શું કરીશ તુૃં ?
--આવીશ તો પાછો નહીં જાઉં, મિતા.
આત્મામાં જ નહીં, તુૃં નથી ઈચ્છતી ત્યાં પણ ધસી જઈશ.
તુૃં ધોઈ ન શકે એવો રંગ બનીને ચડી જઈશ.
તુૃં ખંખેરી ન શકે એવી માટી બનીને ચચરીશ.
તુૃં સહી ન શકે એવી ખુશી, બેહદ ખુશી બનીને વસી જઈશ.
--એટલે જ ઈશ !
એટલે જ નથી તેડાવતી તને.
તુૃં... આટલો બધો...
આટલો બધો...
નહીં સચવાય મારાથી ઈશ !
નહીં સચવાય...
#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_