...અને એક દિવસ
એક ગંભીર અકસ્માત સર્જાયો
જીવતું જાગતું એક શરીર
કરોડો ચાળણીઓમાં ચળાતું ચળાતું
દાણાદાણા થઈ ગયું
ભીતરથી શું હવા થયું, કોણ જાણે
લોકોએ કહ્યું કે પ્રાણપંખી
ઊડી ગયું.
મેં જોયો
પોતાનો ચળાયેલો, ચૂંથાયેલો દેહ
ઓળખ, પરખ, નિસ્બત કશું જ
બાકી નહોતું બચ્યું
ભીંજાતી અવનીનો રંગ
લાલ હતો, પણ
માત્ર લાલ જ નહોતો
ક્યાંક કંઈક ચળકતું પારદર્શક પ્રવાહી
વહી જતું હતું
મેં જોઈ મારી આસપાસની દુનિયાને
ધીરે ધીરે અદૃશ્ય થતી
પણ એ તો હતી જ
હતી ત્યાંની ત્યાં જ, એવી ને એવી
તો એ પારદર્શક પ્રવાહીમાં ઓઝલ થતી દુનિયા
કઈ હતી?
એ જ... એ જ...
ગણી શકાય એવી ખારી બૂંદોના પૂરમાં
સ્વયં વહાવી દીધેલી
મારી જ સર્જેલી દુનિયા
હા
હવે જાણ્યું ને તમે?
અવનીમાં ભળતો, એને પથ્થર કરતો
પેલો રંગહીન રંગ
હતો શેનો...!
#અનુ_મિતા