...#...૦૬. નિષ્ક્રમણ સંસ્કાર...#...
‘निष्क्रमणं नाम शशोः गृहात् प्रथमं बहिर्गमनम् ।’
નિષ્ક્રમણ સંસ્કાર એ પહેલીવાર શિશુને ઘરની બહાર લાવવાનો સંસ્કાર છે. આ સંસ્કાર પ્રસંગે વિવિધ વેદમંત્રોનું ગાન કરવામાં આવે છે. ગૃહ્યસૂત્રોમાં આપેલી નિષ્ક્રમણ સંસ્કારની વિધિ અનુસાર પિતા બાળકને ઘરની બહાર લઇ જાય છે અને મંત્રોના ઉચ્ચારણ સાથે સૂર્યનું દર્શન કરાવે છે.
‘चतुर्थमासि कर्तव्यं शिशोः निष्क्रमणम् गृहात् ।’
આ સંસ્કાર બાળકના જન્મ પછી ત્રીજા કે ચોથા મહિને કરવામાં આવે છે. કારણ કે બાળકની નાજુક આંખો ત્રણ-ચાર માસ પહેલા સૂર્યના પ્રકાશને ઝીલી શકે એટલી સમર્થ ન થઇ હોય. જો સમય પહેલા બાળકની આંખમાં વધારે પ્રકાશ પડે તો બાળકની આંખને નુકશાન પણ થઇ શકે છે. માટે શાસ્ત્રોમાં આ સંસ્કાર ત્રીજા-ચોથા મહિને કરવાનું કહ્યું છે.
ગૃહ્યસુત્ર અનુસાર માતા-પિતા આ સંસ્કારને સંપન્ન કરે છે. ક્યાંક આ સંસ્કારને સંપન્ન કરવા મામાને પણ આમંત્રણ અપાય છે. નિષ્ક્રમણ સંસ્કાર કરવા માટે ચોક્કસ દિવસે આંગણામાં જ્યાં સૂર્ય સ્પષ્ટ દેખાય તે ભાગને છાણ-માટીથી લીપી, તેના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી ધાન્યના કણ વેરવામાં આવે છે. બાળકને શણગારી કુલદેવતા પાસે લઇ જવાય છે તથા તેમનું પૂજન કરવામાં આવે છે. શંખધ્વનિ અને વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે શિશુને બહાર લાવી સૂર્યદર્શન કરાવાય છે. સૂર્યદર્શન બાદ મંદિરમાં ઇષ્ટદેવના દર્શન કરાવાય છે, ધૂપ, દીપ, માળાથી ઇષ્ટનું પૂજન થાય છે. સંતો કે બ્રાહ્મણોના આશિર્વાદ મેળવી બાળકને મંદિરની બહાર લાવી મામાના ખોળામાં આપવામાં આવે છે અને મામા બાળકને ઘરે લાવે છે.
આ સંસ્કારનું વ્યાવહારિક તાત્પર્ય એ છે, કે નિશ્ચિત સમય બાદ બાળકને ઘરની બહાર લાવવામાં આવે છે ત્યારે બાળકને બાહ્ય જગતનો પ્રથમ પરિચય થાય છે. બાળક ઘરની બહારના જગતના સંપર્કમાં પ્રથમવાર આવે છે. આ સંસ્કાર વખતે અથર્વવેદમાં આપેલો મંત્ર બોલાય છે.
‘शिवे ते स्तां द्यावापृथिवी असंतापे अभिश्रियौ, शं ते सूर्य आ तपस्तु शं वातो वातु ते हृदे । शिवा अभिक्षरन्त्वापो दिव्याः पयस्वतीः ।’
‘હે બાળક ! તારા નિષ્ક્રમણના સમયે આકાશ, પૃથ્વી વગેરે કલ્યાણકારી અને સુખદ બને, સૂર્ય તારા માટે કલ્યાણકારી પ્રકાશ પાથરે, તારા હૃદયમાં સ્વચ્છ વાયુનો સંચાર થાય, નદીઓ તારા માટે નિર્મળ જળ વહેડાવે, વગેરે...’
આ મંત્ર રહસ્યથી ભરેલો છે. બાળકના વિકસતા માનસ ઉપર પ્રકૃતિની ખૂબ મોટી અસર પડતી હોય છે. નદી, તળાવ, બાગ-બગીચા, પક્ષીઓનો કલરવ વગેરેના સંગમાં આવવાથી પ્રકૃતિના નિર્મળ, નિખાલસ ગુણો બાળકમાં ઉતરતા હોય છે. આજના ડૉક્ટર પણ દિવસ દરમિયાન થોડો સમય બાળકોને ખુલ્લી હવામાં ફરવા લઇ જવાની સલાહ આપે છે. કારણ કે પ્રકૃતિના સાનિધ્યમાં બાળકના તન, મન પ્રફુલ્લિત અને તંદુરસ્ત બને છે. વાતાવરણની ઠંડી-ગરમીને સહન કરવાની શક્તિ કેળવાય છે, જેથી શરીર ખડતલ અને તંદુરસ્ત બને છે.
સ્વચ્છ અને તાજા હવા-પાણીના અભાવના કારણે પુખ્ત વયના લોકો પણ બીમાર પડતા હોય છે, જ્યારે નાના બાળકનું શરીર તો ઘણું નાજુક હોય છે. તેથી તેને પુરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, સ્વચ્છ હવા વગેરે મળી રહે તે ખૂબ આવશ્યક છે. શહેરના પ્રદુષિત વાતાવરણમાં રહેતા લોકો માટે આ સૂચનો ચેતવણી સમાન છે. માટે બાળક જ્યારે ચાર-પાંચ મહિનાનું થાય ત્યાર બાદ નિયમિત થોડો સમય ઘરના વાતાવરણથી બહાર પ્રકૃતિ અને સમાજના સંપર્કમાં આવે એ જ આ સંસ્કારનો મુખ્ય ઉદ્દેશ છે.
સમય, સંજોગ, કુલપરંપરા, જ્ઞાતિભેદ વગેરેને કારણે આ બધા સંસ્કારોમાં વત્તા-ઓછા પ્રમાણમાં ફેરફાર જોવા મળતા હોય છે.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું સાતમા સંસ્કાર એવા "અન્નપ્રાશન સંસ્કાર" વિશે...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....