Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#...૦૫.નામકરણ સંસ્કાર...#...


‘एकादशे अहनी पिता नाम कृर्यात्‌ ।’

શાસ્ત્રના મત પ્રમાણે જન્મથી અગિયારમાં દિવસે,સોમાં દિવસે અથવા એક વર્ષે નામકરણ સંસ્કાર કરવો જોઇએ. બાળકના પિતા અથવા તો ઘરના કોઇ વડીલ સભ્ય વિધિપૂર્વક બાળકનું નામ પાડે તેને નામકરણ સંસ્કાર કહેવાય છે.
સુતકમાંથી નિવૃત્ત થયા બાદ માતા અને બાળકને સ્નાન કરાવવામાં આવે છે.ઇષ્ટદેવના સ્મરણ બાદ પ્રજાપતિ,તિથિ,નક્ષત્ર અને એના દેવતા અગ્નિ અને સોમને આહુતિ અપાય છે.પિતા શિશુના શ્વાસ-પ્રશ્વાસનો સ્પર્શ કરે છે,ત્યાર બાદ બાળકના કાનમાં,
‘हे कुमार त्वं... कुलदेवताया भक्तोसि ।
हे कुमार त्वं व्यवहार नाम्ना... असि ।’
જેવા મંત્રોનો ઉચ્ચાર કરે છે.ત્યાર બાદ પુરોહિત, કુલવૃદ્ધ, કુલગુરુ અથવા પિતા દ્વારા બાળકનું નામકરણ થાય છે.
બાળકનું નામ પરિવાર,સમુદાય તથા વર્ણસૂચક હોવું જોઇએ."પારસ્કર ગૃહ્યસૂત્ર પ્રમાણે નામ બે અથવા ચાર અક્ષર વાળું હોવું જોઇએ."આશ્વલાયન ગૃહ્યસૂત્ર પ્રમાણે છોકરાનું નામ અક્ષરોની બેકી સંખ્યાવાળુ તથા છોકરીનું નામ એકી સંખ્યા વાળું હોવું જોઇએ.પહેલા બાળકનો જન્મ થાય તે સમયના નક્ષત્રના નામ પરથી અથવા તો નક્ષત્રના અધિષ્ઠાતા દેવતાના નામ પરથી નામકરણ થતું. ત્યાર બાદ નક્ષત્રોને બદલે રાશિ આધારિત નામ પાડવાની પ્રથા પ્રચલિત થઇ.કુલ રાશિ બાર છે.જન્મના દિવસે અને સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ પરથી નિયત અક્ષરો પૈકીના કોઇ અક્ષરથી શરુ થતું નામ પાડવામાં આવે છે. જેની વિગત નીચે પ્રમાણે છે.

મેષ : અ,લ,ઇ
તુલા : ર,ત
વૃષભ : બ,ઉ,વ
વૃશ્ચિક : ન, ય
મિથુન : ક,છ,ઘ
ધન : ભ,ધ,ફ,ઢ
કર્ક : ડ,હ
મકર : ખ,જ
સિંહ : મ,ટ
કુંભ : ગ,શ,સ,ષ
કન્યા : પ,ઠ,ણ
મીન : દ,ચ,ઝ,થ

ઉપર્યુક્ત જે તે રાશિનું નામ ઉચ્ચારણમાં સરળ અને કર્ણપ્રિય હોવું જોઇએ. ભાષાના વિકાસની સાથે મનુષ્ય પોતાના જીવનમાં દૈનિક વ્યવહારની વસ્તુઓના નામકરણ માટે પ્રવૃત્ત રહ્યો છે. કારણ કે વ્યકિતના વિશિષ્ટ તથા નિશ્ચિત નામ વિના વ્યવહારનું સંચાલન અસંભવ હતું. વ્યક્તિગત નામોના મહત્ત્વ સાથે નામકરણ પ્રથાને ધાર્મિક સંસ્કારનું રૂપ અપાયું. નામ વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ તથા ભાવવાહી હોવું જોઇએ.
છોકરાનું નામ નારી જાતિનું કે છોકરીનું નામ નર જાતિનું ન હોવું જોઇએ. અન્યતર જાતિનું નામ ઘણીવાર વ્યવહારમાં ગોટાળા ઉભા કરતું હોય છે. અર્થ અને જોડણી જાણીને જ યોગ્ય નામ પાડવું જોઇએ.
નામ અર્થને સાર્થક કરનારું હોવું જોઇએ. ઘણા લોકો અર્થ વગરના નામો અથવા વિકૃત અર્થવાળા નામો રાખતા હોય છે. તાત્વિક દૃષ્ટિએ જોઇએ તો વ્યક્તિવાચક નામ પંચભૂતના પિંડનું છે, પરંતુ જીવને એ નામ સાથે તાદાત્મ્યપણુ, મારાપણું બંધાઇ જતું હોય છે. માટે બાળકનું નામ કોઇ ઢંગધડા વગરનું ન રાખતા સાર્થક રાખવું જોઇએ. જાતિ કે કુળને ગૌરવાન્વિત કરે તેવું નામ હોય તો તેની માનસ ઉપર પણ મોટી અસર પડતી હોય છે. અમૂક સમયે નામ જ વ્યક્તિના મૂલ્યાંકનનું માપદંડ બની જતું હોય છે, માટે નામ બાળકના આત્મગૌરવને વધારનારું, ઉત્સાહ પ્રેરનારું તથા પ્રેરણા આપનારું હોવું જોઇએ.
સામાન્ય રીતે દસ દિવસ બાદ બાળકને રમાડવા લોકો આવતા હોય છે. આવનાર દરેક લોકો બાળકને કોઇને કોઇ હુલામણા નામથી બોલાવે છે. જો દસમાં દિવસે નામકરણ થઇ ગયું હોય તો બાળકના જાતજાતના નામો પાડવાને બદલે લોકો એક જ નામથી બોલાવે છે. નહીંતર બાળક મોટું થાય ત્યારે પણ એનું મૂળ નામ શું છે, એ જ કોઇને ખબર હોતી નથી. તેથી બાળક પણ ઘણીવાર દ્વિધા અનુભવે છે.

શુભસ્તુ....

# આવતી પોસ્ટમાં આપણે જાણીશું છઠ્ઠા સંસ્કાર એવા "નિષ્ક્રમણ સંસ્કાર "વિશે...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...🙏🙏🙏

Gujarati Religious by Kamlesh : 111752082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now