ઊભા ગોઠવેલા બે તકિયામાંથી
એક
અચાનક પલંગ પરથી નીચે પડી ગયો.
જાણે મારા ખભે વીંટળાયેલો
તારો હાથ
પડખું ફરી ગયો.
નહિવત્ રોશનીમાં વાંકી વળી
જમીન તરફ હાથ લંબાવી
પેલો તકિયો શોધ્યો, પણ
મળ્યો જ નહીં !
થો...ડોક પ્રકાશ હોત
તો મળી ગયો હોત
તુૃં.
હવે વિચારું છું કે બચેલી રાતમાં
આંખો મીંચીને તારો અનુભવ કરું?
કે તને શોધતી જ રહું?
તુૃં હોત તો કહેત, સૂઈ જા ડોબી ! ને મનેય સૂવા દે.
મને યાદ નથી
કે એવું ક્યારેય બન્યું હોય !
કે મોડી રાતે તેં
કશુંય કહ્યું હોય !
તને અનુભવવા એવી જરૂર પણ
ક્યાં હતી, નહીં !
#અનુ_મિતા