શિયાળાના દિવસો છે, આભમાંથી કુંજડાંએ નીચે ઊતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મે ગયો છે, લહાણી પડી ગઈ છે, ગામડાં ખાલી થઈને સીમો વસી ગઈ છે, ધાનનાં ડૂંડાં વઢાઇ રહ્યાં છે. નીચાં નમીને મોલ વાઢતાં દાડિયાં વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભાં થાય છે અને દાતરડી ગળે વલગાડી દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજીને હસતી ગાય છે:
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો
હો પાંદડું પરદેશી!
ઓલી મોતરડીને ઉડાડી મેલો
હો પાંદડું પરદેશી!
એનો સાસરો આણે આવ્યા
હો પાંદડું પરદેશી!
મારા સસરા ભેળી નૈં જાઉં
હો પાંદડું પરદેશી!
એનો પરણ્યો આણે આવ્યા
હો પાંદડું પરદેશી!
મારા પરણ્યા ભેળી ઝટ જાઉં
હો પાંદડું પરદેશી!
https://youtu.be/uP0osWhOeAE