...#... ડાકોરના ડંકેશ્વર મહાદેવ...#...
....જય ભોળાનાથ સૌને...
" ડાકોર...." શબ્દ કાને પડતાં જ આપણા માનસપટ પર, "જય ડાકોરના ઠાકોર,જય રણછોડરાય " આવા પડઘાઓનો ગેબીનાદ થવા લાગે. ખરું ને???
હા ભગવાન શ્રીકૃષ્ણનું પરમધામ એવા ડાકોરનો ઇતિહાસ એટલો જ રોચક અને રહસ્યમય છે.
શું આપ જાણો છો,કે અહિંયા સ્થિત વિશાળ ભયંકર ખાખરીયા વન ને આવું પરમધામ બનાવવામાં કોની કૃપા હતી?
નથી ખબર ને?
ચાલો સવિસ્તાર પૂર્વક આખી કથા જાણીએ અને મહાદેવની એક આ લીલાને પણ માણીએ... અને આપણા "છપ્પન ભોગ" માંથી એક ઓર વિશિષ્ટ વાનગી ચાખીયે...
ઘણા વર્ષો પહેંલાની આ વાત છે. જ્યારે પૃથ્વીલોક પર દ્વાપરયુગ ચાલતો હતો. દ્વાપરયુગમાં ભયંકર વિશાળ ખાખરીયું વન હતું.
આ વનમાં ડંકમુનીએ પોતાનો આશ્રમ બનાવ્યો. અને ભગવાન શિવની ઘોર તપસ્યા કરી પ્રભુને પ્રસન્ન કર્યા. ભગવાને ડંકમુનીને આશિર્વાદ આપ્યા કે,"અહિંયા ભગવાન કૃષ્ણનું પરમધામ થશે,અને હું સ્વયં અહિંયા ડંકેશ્વર બની લિંગ રુપે સદાય વાસ કરીશ."
આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ પણ બનાવ્યો હતો જેમાં પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.
એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમસેન પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે, અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે "ગોમતીકુંડ" ના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા "ડંકપુર" અને ત્યારબાદ આજનું "ડાકોર" ગામ બન્યું.
વર્ષો જતાં આ ડાકોર ગામમાં એક પરમ કૃષ્ણભક્ત "બોડાણા" અવતર્યા. ભક્ત બોડાણા
દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતા હતા. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતા રહ્યા, પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે, "હું દ્વારકાથી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે." બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યા. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે,"હવે તું ગાડાં માં આરામ કર હું ગાડું ચલાવીશ." ફ્ક્ત એક રાત માં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા.
સવાર માં ભગવાન શ્રીકૃષ્ણજીએ બિલેશ્વર મહાદેવ નજીક લીમડાની ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યુ. ભગવાન ના સ્પર્શથી લીમડા ની એ એક ડાળ મીઠી થઇ ગઇ.
ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તી ગોમતી માં પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા. દ્વારકાનાં પુજારીઓએ એક યુક્તિ આજમાવી કે,"જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું."
તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.
ત્યાર બાદ હતાશ થયેલા ગુગળીઓએ ગુસ્સામાં આવી બોડાણા પર ભાલા થી પ્રહાર કર્યો જેના કારણે બોડાણાનું મૃત્યુ થયુ, ને ગોમતીમાં જ્યાં મુર્તિ હતી ત્યાંનું પાણી લોહી થી લાલ થયું...
અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી/ઠાકોર નાં નામે ઓળખાય છે.
આમ દેવાધિદેવ મહાદેવ શ્રી ડંકેશ્વરની કૃપાથી ભયંકર ખાખરીયું વન પરમધામ બને છે.
આવા કૃપાળુ મહાદેવ શિવને "કમલ" કોટી કોટી વંદન કરે છે...
જય ભોળાનાથ....
હર હર મહાદેવ.... હર....