ઈશ-મિતાનાં સંવાદો
'મૃગજળ'
--કેટલું કંટાળાજનક છે યાર બધું !
ન કોઈ કામમાં મન લાગે છે, ન કંઈ લખવાનું સૂઝે છે.
ન વાત કરનારા મિત્રો છે, ન આસપાસ મનગમતું કોઈ અંગત.
એ ઈશ ! આમ કેવી રીતે લોકો રહી શકતા હશે?
સાવ અલિપ્ત ! સાવ ચૂપ ! સાવ...
--બધા તારા જેવા ડફોળ નથી હોતા મિતા !
તારે કામ શું છે આખો દિવસ, વાતો કર્યા સિવાય !
ને તારી વાતોમાંય કોઈ ખાસ કામની વાત હોતી નથી.
ન તને કોઈ સામાજિક જ્ઞાન છે, ન વર્તમાન સ્થિતિથી વાકેફ થવામાં તને કોઈ રસ.
તારી નકરી કલ્પનાઓની વાતોમાં કોને રસ પડે?
અને ધારો કે રસ પડે તોય એકાદ બે વાર પડી શકે.
રોજ-રોજ કોઈને ન ફાવે એવી ભ્રમિત કરતી નકલી દુનિયાની કાલ્પનિક વાતો...
--તો એનો મતલબ એમ થયો કે મારે દેશ-દુનિયાની, ધંધા-રોજગારની, કલા-સંસ્કૃતિની, રાજકીય ભ્રષ્ટાચારોની કે સમથિંગ એવી અથવા એવા મુદ્દા પર વાત કરવી જોઈએ.
અને આવા બધા મુદ્દાઓ પર વાત કરીશ તો સામે અઢળક વાતો કરનારા મળશે, એમ ને?
--દેખીતું જ છે ને.
વાસ્તવિકતાથી તુૃં છેડો ફાડી મૂકે એટલે બધાએ જ ફાડી મૂકવો એવો કોઈ નિયમ છે?
--ના.
પણ નિયમ તો એવોય નથી કે મારી ઘેલી વાતોમાં કોઈને રસ ન પડે એટલે મને રસ ન હોય એવી વાતોમાં મારે પડવું જોઇએ.
--હા. એવોય નિયમ નથી.
એવા બધા નિયમોની તને ખબર છે તો ફરિયાદ શા માટે કરે છે?
--અરે ! મેં ક્યાં ફરિયાદ કરી પણ?
મેં તો બસ પ્રશ્ન કર્યો કે...
--એ પ્રશ્નમાં પણ છે તો ફરિયાદ જ મિતા.
તુૃં મને એમ કહે, કે આટલા અનુભવો પછી પણ તને સમજ કેમ નથી પડતી કે તારે મૃગજળ પાછળ દોડવાનું હવે બંધ કરી દેવું જોઈએ ?
--કારણ કે હું તૃપ્તિ નથી ઈચ્છતી.
સંપૂર્ણતા નથી ઈચ્છતી.
મોક્ષ નથી ઈચ્છતી.
કારણ કે હું તને ખોવા નથી માંગતી તો પામવાય નથી માંગતી.
કારણ કે,
આપણે બેય એકબીજા માટે એ જ છીએ ઈશ, મૃગજળ.