ઈ. સ. 1940ની 11મી સપ્ટેમ્બરનાં રોજ જૂનાગઢનાં રાજકવિ પ્રતાપદાન ગઢવીના ઘરે કવિ દાદનો જન્મ થયો હતો. તેમનુ નામ દાદુદાન. જૂનાગઢના ગીરનાં ઈશ્વરિયા ગામમાં તેમનો જન્મ. રાજકવિનો પુત્ર હોવા છતાં પણ એમને લખવાની પ્રેરણા એમનાં મામા તરફથી મળી. તેમનાં મામા કવિતાઓ લખતા તેમજ સાહિત્યસર્જન કરતા હતા.
કવિ દાદ માત્ર ચાર ધોરણ સુધી જ ભણ્યા હતાં. પરંતુ તેમનાં જીવન પર ઘણાં બધાં લોકોએ અલગ અલગ યુનિવર્સીટીમાંથી પી. એચ. ડી. કર્યું છે, અને હજુ પણ કરી રહ્યા છે.
તેમની મુખ્ય પ્રેરણામૂર્તિ હિરણ નદીનું સૌંદર્ય છે. તેમના મામાના અવસાન થતાં વ્યથિત મને તેમણે પહેલો છંદ લખ્યો હતો. કવિ દાદે 14 - 15 વર્ષની આસપાસ લખવાનું શરૂ કર્યું.
માતાજીની સ્તુતિ કરતાં અનેક ભજનો, ફિલ્મી ગીતો, કવિતા, દોહા, છંદ અને ગીતો તેમણે રચ્યા છે. સંપૂર્ણ રામાયણ, રા' નવઘણ, લાખા, લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મો સહિત 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે.
1971માં જ્યારે પાકિસ્તાનથી બાંગ્લાદેશ છૂટું પડ્યું ત્યારે કવિ દાદે 'બંગાળ બાવની' નામનો કાવ્યસંગ્રહ બહાર પાડ્યો હતો. આ પુસ્તક માટે એમણે બાવન કવિતાઓ લખી હતી. સરકાર તરફથી આ પુસ્તકની લાખો નકલોનું આખા દેશમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તેમની આ રચનાઓ બદલ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાષ્ટ્રપતિ વી. વી. ગીરીએ તેમનું સન્માન કર્યું હતું.
તેઓ માત્ર કવિ જ નહીં પરંતુ ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ હતા. ગુજરાતી સાહિત્યમાં તેમની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે તેમનો ગ્રંથ 'ટેરવાં'. આ ગ્રંથ આઠ ભાગમાં રજુ કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં તેમની કારકિર્દી 60 વર્ષની છે.
કવિ દાદને ગુજરાત ગૌરવ એવોર્ડ, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, હેમુ ગઢવી એવોર્ડ, કવિ દુલા કાગ એવોર્ડ તેમજ મેઘાણી સાહિત્ય એવોર્ડ મળી ચુક્યા છે. જાન્યુઆરી 2021માં ભારત સરકાર તરફથી સાહિત્ય જગતમાં તેમનાં યોગદાન બદલ તેમને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જૂનાગઢમાંથી પદ્મ શ્રી મેળવનાર તેઓ ચોથા વ્યક્તિ છે. આ અગાઉ આ એવોર્ડ જૂનાગઢના દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી અને વલ્લભભાઈ મારવાણીયાને મળી ચૂક્યો છે.
તેમની કેટલીક યાદગાર રચનાઓ:-
1. ડુંગરથી દડતિ, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી --- જે હિરણ નદી માટે લખી છે.
2. લોકપ્રિય કન્યાવિદાય ગીત, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, 1975ની ફિલ્મ શેતલને કાંઠે
3. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
4. સુપ્રસિધ્ધ ભજન, 'કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું'
5. શબ્દ એક શોધો ને સરિતા નીકળે.
આ સિવાય પણ ઘણી પ્રસિધ્ધ રચનાઓ તેમણે રચી છે. બધીનો અહીં સમાવેશ કરાય એમ નથી.