હવે કોઈ અક્ષર નથી શોધતી હું
દુકાનોનાં પાટીયે કે આભલેખને
કવિતાઓની પંક્તિઓમાં કે વાર્તા-નવલકથાનાં વિધાનોમાં
અહીં સુધી કે મારા હાથમાં કોતરાયેલાં નામમાં પણ નહીં.
અવળચંડા છે આ અક્ષરો
કેટલાંય નામોની સાથે જોડી દે છે એ મારાં નામનો પહેલો અક્ષર
ખદબદતાં અળસિયાંના કૂવામાં જાણે તરફડે છે મારું નામ
ન કંઈ દેખાય છે, ન કંઈ સંભળાય છે
ભેંકારમાં અટવાતું, કૂટાતું અસ્તિત્વ છે મારું નામ
મેં નક્કી કર્યું છે
એને એકલું જ રાખીશ, એ જ ઠીક.
એ ઠીક છે કે નહીં? એ પૂછુંય કોને?
બચેલો અડધો હાથમાત્ર દેખાય છે મારો, તમને નજરે પડે છે?!!
--નિર્મોહી