એ યુવા છોકરડો
યુવાનીના મદમાં, ચાહતના નશામાં
લોહી નીંગળતી ચામડીના મને ફોટા મોકલે છે
કહે છે, જે જોવાથી અનુભવાય છે
એ સહેવાથી કેટલું અનુભવાતું હશે... દરદ !
ને જેની માટે આમ ઘાયલ થઈ ફરીએ છીએ
એને લેશમાત્ર ન પડી હોય તો શું કરીએ?
ભલા માણસ !
તારા પ્રેમ, ચાહત, મહોબ્બતના કહેવાતા નશામાં
તુૃં એ લોહી વહાવે છે જે બક્ષનાર તારી વેવલી પ્રેમિકા નથી.
રાત-દિવસ ને આખું ભવિષ્ય હોમીશ તુૃં એની યાદમાં, તે ઠીક...
થોડોક અધિકાર તો રહેવા એ સહૃદોનો, જેણે આણ્યો છે તને
જેણે આવા ઘેલા કાઢવા ઉછેર્યો છે તને !
અલા ! એકેએક ટીપું એ જનેતાને અર્પીશ ને
તોય ઋણ નહીં ચૂકવાય.
ને પેલી વેવલી જે બે ક્ષણ નથી આપી શકતી
એવી કરોડો ક્ષણો ખર્ચીને મૂંગાં-મંતર એ વૃદ્ધો
તારું વહેતું લોહી જોઈ, લોહીના આંસુ સારશે
ને એથી જ ભૂંડાભોળિયા,
તુંય સુખી નહીં થાય...
હા, તું ક્યાંથી સુખી થાય...!
©અનુ.