...ને એકાએક વિખેરાયા કાળાડિબાંગ વાદળો
ઊજળું, રૂની પૂણી જેવું આકાશ ઊઘડ્યું
જોતજોતામાં સ્વર્ણફળે દેખા દીધી
સતરંગી લકીરોથી ભીંજાયાં મારાં રોમરોમ
એક એક કિરણ તારી સ્વચ્છ આંખોની જેમ પીધે ગઈ મને
ને ઓગળતી ગઈ હું તારા અલ્લડ સ્મિત જેવા ઈન્દ્રધનુમાં
ખળખળ કરતી જળધાર વરસી પડી તારા હેતની માફક
ને ઝીલાતી ગઈ હું તારા બાહુપાશ જેવી મારાં મનની લીલાઓમાં...
જરા સાંભળ !
આ ઝરતો સોનેરી તડકો હથેળીમાં ઢાંકી લઉં ને હોઠે ધરી લઉં,
તો તારું રસઝરતું ચુંબન અનુભવાશે મને !
તારી છબીને હું હૈયાસરસી ચાંપી લઉં
તો હુંફાળી સરસરાહટ અનુભવાશે તને !
હોઈશ સુંદર કે રૂપાળો સૌ માટે તુૃં
આ મનમંદિરમાં તને સ્થાપું તો,
પ્રતિપળ થતું તારું સ્મરણ કળાશે તને !
આ ઘેલી વાતો થકી જે કહેવું છે મારે
એ વગર કીધે પણ સમજાશે ને તને !!!
બોલ ને, સમજાશે ને તને...
©અનુ.